________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાસઠમું પર્વ
४३७ ભામંડળના હવાલે કર્યો. લક્ષ્મણે ઇન્દ્રજિતને પકડ્યો હતો તે વિરાતિને સોંપ્યો એટલે વિરાધિતે તેને પોતાના રથમાં રાખ્યો. તેનું શરીર ખેદખિન્ન થયું હતું. તે વખતે યુદ્ધમાં રાવણ વિભીષણને કહેવા લાગ્યો કે જો તું તને યોદ્ધો માનતા હો તો મારો એક પ્રહાર સહન કર કે જેથી તને યુદ્ધની ખંજવાળ મટે. વિભીષણ રાવણની સામે વિકરાળ રણક્રીડા કરી રહ્યો છે. રાવણે કોપ કરીને વિભીષણ પર ત્રિશૂળ ચલાવ્યું જેમાંથી પ્રજ્વલિત અગ્નિના તણખા આકાશમાં પ્રકાશ વેરી રહ્યા છે. તે ત્રિશૂળ લક્ષ્મણે વિભીષણ સુધી આવવા ન દીધું, પોતાનાં બાણથી તેને વચમાં જ ભસ્મ કરી નાખ્યું. રાવણ પોતાના ત્રિશૂળને ભસ્મ થયેલું જોઈ અત્યંત કૂદ્ધ થયો અને તેણે નાગેન્દ્રની આપેલી મહાદારૂણ શક્તિ હાથમાં લીધી અને સામે જોયું તો નીલકમલ જેવા શ્યામસુંદર પુરુષોત્તમ ગરુડધ્વજ લક્ષ્મણ ઊભા છે. તેણે કાળી ઘટા સમાન ગંભીર, ઊંભા અવાજે લક્ષ્મણને કહ્યું, તારું બળ
ક્યાં કે મૃત્યુના કારણ એવા મારા શસ્ત્રને તું ઝીલે છે. તું બીજા જેવો મને ન જાણજે. હું દુર્બુદ્ધિ લક્ષ્મણ ! જો તું મરવા ઈચ્છતા હો તો મારું આ શસ્ત્ર સહન કર. ત્યારે લક્ષ્મણ જોકે લાંબો સમય સંગ્રામ કરવાથી અત્યંત થાકેલા છે તો પણ વિભીષણને પાછળ ખસેડીને પોતે આગળ થઈ રાવણ તરફ દોડ્યા. આથી રાવણે અત્યંત ક્રોધપૂર્વક લક્ષ્મણ પર શક્તિ ચલાવી. શક્તિમાંથી તારાઓના આકારના તણખા નીકળી રહ્યા છે તે શક્તિથી મહાપર્વતના તટ સમાન લક્ષ્મણનું વક્ષસ્થળ છેદાઈ ગયું. શક્તિ દિવ્ય અતિ દેદીપ્યમાન, જેનો ઘા નિષ્ફળ ન જાય એવી છે, તે લક્ષ્મણના અંગમાં લાગતાં જાણે કે પ્રેમભરેલી વધુ ભેટી હોય તેવી શોભતી હતી. લક્ષ્મણ શક્તિના પ્રહારથી, તેનું શરીર પરાધીન થતાં જમીન પર પડ્યા, જેમ વજના પ્રહારથી પર્વત પડે. તેને જમીન પર પડેલા જોઈ કમળલોચન શ્રી રામ શોક દબાવીને શત્રુનો ઘાત કરવા માટે તૈયાર થયા. તેમણે શત્રુને તત્કાળ રથરહિત કર્યો. ત્યારે રાવણ બીજા રથ પર બેઠો એટલે રામે રાવણનું ધનુષ તોડયું. રાવણે બીજું ધનુષ લીધું. રામે રાવણનો બીજો રથ પણ તોડી નાખ્યો. રામનાં બાણથી વિહવળ થયેલો રાવણ ધનુષબાણ લેવા અસમર્થ થયો. જેવો તે રથ પર બેસવા જતો કે રામ રાવણનો રથ તોડી નાખતા. તે અત્યંત ખેદખિન્ન થયો, તેનું બખ્તર છેદાઈ ગયું. રામે તેને છ વાર રથરહિત કર્યો તો પણ અદભુત પરાક્રમી રાવણ રામથી હણાયો નહિ ત્યારે આશ્ચર્ય પામી રામ રાવણને કહેવા લાગ્યા કે તું દીર્ધાયુ નથી, હજી તારું આયુષ્ય થોડા દિવસનું બાકી છે, તેથી મારાં બાણથી મર્યો નથી. મારી ભુજામાંથી છૂટેલા અત્યંત તીક્ષ્ય બાણથી પહાડ પણ ભેદાઈ જાય, મનુષ્યની તો શી વાત છે? તો પણ આયુષ્યકર્મ તને બચાવ્યો છે. હવે હું તને કહું છું તે સાંભળ-હે વિધાધરોના અધિપતિ ! મારા ભાઈને સંગ્રામમાં શક્તિથી તે હણ્યો છે, તેની મૃત્યુક્રિયા કરીને હું સવારમાં જ તારી સાથે યુદ્ધ કરીશ. ત્યારે રાવણે કહ્યું કે એમ જ કરો. આમ કહીને ઇન્દ્રતુલ્ય પરાક્રમી રાવણ લંકામાં ગયો. રાવણ પ્રાર્થનાભંગ કરવામાં અસમર્થ છે. રાવણ મનમાં વિચારે છે કે આ બન્ને ભાઈઓમાં એક આ મારો શત્રુ અતિ પ્રબળ હતો તેને તો મેં હણ્યો છે. આમ વિચારીને કાંઈક આનંદ પામી તે મહેલમાં ગયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com