________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
તેત્રીસમું પર્વ
૨૯૭
સૂકવેલાં હતાં, મૃગો નિર્ભયપણે આંગણામાં બેસીને વાગોળતા હતા, તેમના નિવાસમાં મેના, પોપટ ભણી રહ્યાં હતાં, તેમના મઠ પાસે અનેક ફૂલોના ક્યારા બનાવેલા હતા, તાપસોની કન્યા મિષ્ટ જળથી ભરેલા કળશ તે ક્યારામા રેડતી હતી. શ્રી રામચંદ્રને આવેલા જોઈને તાપસો જાતજાતનાં મધુર ફળો, સુગંધી પુષ્પો, મિષ્ટ જળ ઇત્યાદિ સામગ્રી વડે ખૂબ આદરથી તેમનું આતિથ્ય કરવા લાગ્યા. તાપસો સહજપણે સૌનો આદર કરે છે. તે મિષ્ટ વચનથી સંભાષણ કરી રહેવા માટે ઝૂંપડી, કોમળ પલ્લવોની શય્યા ઇત્યાદિ ઉપચાર કરવા લાગ્યા. રામને બહુ જ રૂપાળા અદ્ભુત પુરુષ જાણીને ખૂબ આદર કર્યો. રાત્રે ત્યાં રહીને સવારમાં ઊઠીને એ ચાલી નીકળ્યા. તાપસો તેમની સાથે ચાલવા લાગ્યા, એમનું રૂપ જોઈને અનુરાગી થયા. પાષાણ પણ પીગળી જાય તો મનુષ્યોની તો શી વાત કરવી ? સૂકાં પાંદડાંનું ભક્ષણ કરનાર તાપસો એમનું રૂપ જોઈને અનુરાગી થઈ ગયા. વૃદ્ધ તાપસો તેમને કહેવા લાગ્યાઃ તમે અહીં જ રહો આ સુખનું સ્થાન છે અને કદાચ ન રહેવું હોય તો આ અટવીમાં સાવધાન રહેજો. જોકે આ વન જળ, ફળ, પુષ્પાદિથી ભરેલું છે તો પણ વિશ્વાસ કરશો નહિ. નદી, વન અને નારી એ વિશ્વાસયોગ્ય નથી અને તમે તો સર્વ બાબતોમાં સાવધાન જ છો. પછી રામ, લક્ષ્મણ, સીતા અહીંથી આગળ ચાલ્યાં. અનેક તાપસી એમને જોવાની અભિલાષાથી અત્યંત વિહ્વળ થઈને દૂર સુધી પત્ર, પુષ્પ, ફળ, ઇંધનાદિના બહાને તેમની સાથે ચાલતી રહી. કેટલીક તાપસીઓ તેમને મધુર વચનોથી કહેવા લાગી કે તમે અમારા આશ્રમમાં કેમ ન રહો, અમે તમારી સેવા કરીશું. અહીંથી ત્રણ કોશ ૫૨ એવું વન છે કે જ્યાં મહાસઘન વૃક્ષો છે, મનુષ્યોનું નામ નથી; અનેક સિંહ, વાઘ, દુષ્ટ જીવોથી ભરેલું છે; ત્યાં ઉંધન અને ફળ, ફૂલ માટે તાપસો પણ જતા નથી, ડાભની તીક્ષ્ણ અણીઓથી જ્યાં અવરજવર થતી નથી, વન મહાભયાનક છે અને ચિત્રકૂટ પર્વત અત્યંત ઊંચો, દુર્લધ્ય, ફેલાઈને પડયો છે. તમે શું સાંભળ્યું નથી કે નિઃશંક થઈને ચાલ્યા જાવ છો ? રામે જવાબ આપ્યો, કે તાપસીઓ! અમે અવશ્ય આગળ જઈશું. તમે તમારા સ્થાનકે જાવ. મુશ્કેલીથી તેમને પાછી વાળી. તે પરસ્પર એમનાં રૂપ-ગુણનું વર્ણન કરતી પોતાના સ્થાનકે આવી. તેઓ મહાગહન વનમાં પ્રવેશ કરવા લાગ્યાં. વન પર્વતના પાષાણોના સમૂહથી અત્યંત કર્કશ છે, તેમાં મોટાં મોટાં વૃક્ષો વેલોથી વીંટળાયેલાં છે. ભૂખથી ક્રોધે ભરાઈને શાર્દૂલોએ નખ વડે વૃક્ષોને વિદારી નાખ્યાં છે, સિંહોથી હણાયેલા ગજરાજના રક્તથી લાલ બનેલાં મોતી ઠેરઠેર વિખરાઈને પડયાં છે, મત્ત ગજરાજોએ તરુવરોને ભાંગી નાખ્યાં છે, સિંહણની ગર્જના સાંભળીને હરણો ભાગી રહ્યા છે, સૂતેલા અજગરોના શ્વાસના પવનથી ગુફાઓ ગુંજી રહી છે, સુવ્વરોના સમૂહોથી નાનાં સરોવરો કાદવમય બની ગયાં છે, જંગલી પાડાનાં શિંગડાંથી રાફડા ભાંગી ગયા છે, ભયાનક સર્પો ફેણ ઊંચી કરીને ફરી રહ્યા છે, કાંટાથી જે પૂંછડીનો અગ્રભાગ વીંધાઈ ગયો છે એવી નીલ ગાય ખેદખિન્ન થઈ છે, અનેક પ્રકારના કાંટા ત્યાં પથરાઈ રહ્યા છે, વિષપુષ્પોની રજની વાસનાથી અનેક પ્રાણી ત્યાં ફરી રહ્યાં છે, ગેંડાના નખથી વૃક્ષનાં થડ વિઠરાઇ ગયાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com