________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
તેવીસમું પર્વ
પદ્મપુરાણ
રહ્યાં છે. દેવારણ્ય વનમાં ચૈત્યાલયો તથા જિનપ્રતિમાનાં દર્શન કર્યાં. કુલાચલોનાં શિખરો ૫૨ મેં જિનેન્દ્રનાં ચૈત્યાલયો જોયાં. નારદે આમ કહ્યું ત્યારે દશરથે ‘દેવોને નમસ્કાર’ એમ બોલી, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા.
પછી નારદે રાજાને સંજ્ઞા કરી એટલે રાજાએ બધાને વિદાય આપી. પોતે એકાંતમાં રહ્યા ત્યારે નારદે કહ્યું કે હું સુકૌશલ દેશના અધિપતિ! ધ્યાન દઈને સાંભળ. તારા હિતની વાત કહું છું. હું ભગવાનનો ભક્ત, જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં વંદના કરવા જાઉં છું. એ પ્રમાણે હું લંકામાં ગયો હતો. ત્યાં મહામનોહર શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યાલય છે તેની મેં વંદના કરી અને એક વાત વિભીષણના મુખેથી સાંભળી કે રાવણે બુદ્ધિસાર નામના નિમિત્તજ્ઞાનીને પૂછ્યું હતું કે મારું મૃત્યું કયા નિમિત્તે થશે ? નિમિત્તજ્ઞાનીએ કહેલું કે દશરથના પુત્ર અને જનક રાજાની પુત્રીના નિમિત્તે તારું મૃત્યુ થશે. આ સાંભળીને રાવણને ચિંતા થઈ. ત્યારે વિભીષણે કહ્યું કે આપ ચિંતા ન કરો, હું એ બન્નેને પુત્ર-પુત્રી થયા પહેલાં મારીશ. તેથી તારા બધા સમાચાર જાણવા વિભીષણે ગુપ્તચો મોકલ્યા હતા તે તારું સ્થાન, ફરવા-હરવાનું વગેરે બધું જાણીને ગયા છે; અને મારા ૫૨ વિશ્વાસ હોવાથી વિભીષણે મને પૂછ્યું હતું કે શું તમે દશરથ અને જનકના સ્વરૂપ વિષે જાણો છો ? ત્યારે મેં કહ્યું હતું કે મેં તેમને જોયે ઘણા દિવસ થયા છે, હવે તેમને જોઈને તમને કહીશ. તેનો અભિપ્રાય ખોટો જાણીને તમારી પાસે આવ્યો છું એટલે જ્યાં સુધીમાં તે વિભીષણ તમને મારવાનો ઉપાય કરે તે પહેલાં તમે પોતે છુપાઈને ક્યાંક બેસી જાવ. જે સમ્યગ્દષ્ટિ, જિનધર્મી, દેવગુરુધર્મના ભક્ત છે તે બધા પ્રત્યે મને પ્રેમ છે અને તમારા જેવા પ્રત્યે વિશેષ છે માટે તમે જે યોગ્ય માનો તે કરો, તમારું કલ્યાણ થાવ. હવે હું જનકને આ વૃત્તાંત કહેવા જાઉં છું. પછી રાજાએ ઊઠીને નારદનો સત્કાર કર્યો. નારદ આકાશમાર્ગે થઈ મિથિલાપુરી તરફ ગયા અને જનકને પણ બધા સમાચાર આપ્યા. નારદને ભવ્યજીવ જિનધર્મી પ્રાણથી પણ અધિક પ્યારા છે. નારદ તો સમાચાર આપીને બીજા દેશમાં ચાલ્યા ગયા. બન્ને રાજાઓને પોતાના મરણની શંકા ઉત્પન્ન થઈ. રાજા દશરથે પોતાના મંત્રી સમુદ્રદયને બોલાવી એકાંતમાં નારદે કહેલ સકળ વૃત્તાંત જણાવ્યો. ત્યારે સ્વામીભક્તિમાં પરાયણ અને વાતને ગુપ્ત રાખવામાં શ્રેષ્ઠ એવા તે મંત્રીએ રાજાના મુખથી આ મહાભયના સમાચાર સાંભળીને રાજાને કહ્યું: ‘હું નાથ! જીવનને માટે બધું કરવામાં આવે છે, જો ત્રિલોકનું રાજ્ય મળે, પણ જીવ જવાનો હોય તો શા કામનું? માટે જ્યાં સુધી હું તમારા શત્રુઓનો ઉપાય કરું ત્યાં સુધી તમે તમારું રૂપ બદલીને પૃથ્વી ૫૨ ફરો.' તેથી રાજા દેશ, ભંડા૨, નગ૨ બધું મંત્રીને સોંપીને નગરમાંથી બહાર નીકળી ગયા. રાજાના ગયા પછી મંત્રીએ રાજા દશરથના રૂપ જેવું પૂતળું બનાવ્યું, માત્ર તેમાં ચેતના નહોતી, બાકી બીજાં બધાં રાજાનાં જ ચિહ્નો બનાવ્યાં, લાખ આદિ રસના યોગથી તેમાં રુધિર ભર્યું અને શરીરની કોમળતા જેવી જીવતા પ્રાણીની હોય તેવી જ બનાવી અને મહેલના સાતમા ખંડમાં રાજાને સિંહાસન પર બિરાજમાન કર્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com