________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ બાવીસમું પર્વ
પદ્મપુરાણ તેમને જોઈને તેમની પાપી સ્ત્રી સહદેવી મનમાં વિચાર કરવા લાગી કે એમને જોઈને મારો પુત્ર પણ વૈરાગ્ય પામે તો? તેથી અત્યંત ક્રોધથી જેનું મુખ લાલ થઈ ગયું છે એવી તેણે ચિત્તમાં દુષ્ટતા લાવી દ્વારપાળને કહ્યું કે આ યતિ નગ્ન, મહામલિન અને ઘરને લૂંટાવનાર છે. એને નગરમાંથી કાઢી મૂકો, તે ફરીથી નગરમાં ન આવવો જોઈએ. મારો પુત્ર સુકુમાર છે, ભોળો છે, એનું ચિત કોમળ છે, તે એની નજરે ન પડવો જોઈએ. હે દ્વારપાલ! જો આ બાબતમાં ભૂલ થશે તો હું તમને દંડ આપીશ. જ્યારથી એ નિર્દય બાળક પુત્રને ત્યજીને મુનિ થયા ત્યારથી આ લિંગ પ્રત્યે મને આદર રહ્યો નથી. આ રાજ્યલક્ષ્મી નિંધ છે એમ કહી એ લોકોને વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે, ભોગ છોડાવીને યોગ શીખવે છે. જ્યારે રાણીએ આવા વચન કહ્યાં ત્યારે એ ક્રૂર દ્વારપાળે, જેના હાથમાં નેતરની સોટી છે, મુનિને દુર્વચન કહીને, નગરમાંથી હાંકી કાઢયા અને આહાર માટે બીજા સાધુઓ નગરમાં આવ્યા હતા તેમને પણ કાઢી મૂકયા. મારો પુત્ર કદી ધર્મશ્રવણ ન કરે એ કારણથી રાણી દ્વારા કીર્તિધરનો અવિનય થયેલો જોઈને રાજા સુકૌશલની ધાવ અત્યંત શોકપૂર્વક રુદન કરવા લાગી. ત્યારે રાજા સુકૌશલે ધાવને રોતી જોઈને કહ્યું કે હું માતા ! તારું અપમાન કરે તેવું કોણ છે? મારી માતા તો માત્ર મને ગર્ભમાં જ રાખે છે અને મારું શરીર તો તારા દૂધથી વૃદ્ધિ પામ્યું છે તેથી તું મારા માટે માતાથી પણ અધિક છે. જે મોતના મુખમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તે તને દુઃખ આપે. જો મારી માતાએ પણ તારું અપમાન કર્યું હોય તો હું એનો પણ અવિનય કરીશ. બીજાઓની તો શી વાત કરવી? ત્યારે વસંતમાલા નામની ધાવ કહેવા લાગી કે હે રાજન! તારા પિતા તને બાલ્યાવસ્થામાં રાજ્ય આપી, સંસારરૂપ કષ્ટના પિંજરાથી ભયભીત થઈ તપોવનમાં ગયા હતા. તે આજે આ નગરમાં આહાર માટે આવ્યા હતા, પણ તારી માતાએ દ્વારપાળોને આજ્ઞા આપીને તેમને નગરમાંથી કઢાવી મૂકયા. હે પુત્ર! તે આપણા સૌના સ્વામી છે. તેમનું અપમાન હું જોઈ ન શકી તેથી હું રુદન કરું છું. અને તારી કૃપા હોવાથી બીજા મારું અપમાન કોણ કરે ? સાધુઓને જોઈને મારો પુત્ર જ્ઞાન પ્રાપ્ત કરે આમ જાણીને રાણીએ મુનિઓનો પ્રવેશ નગરમાં નિષેધ્યો છે, પણ તારા ગોત્રમાં આ ધર્મ પરંપરાથી ચાલ્યો આવે છે, પુત્રને રાજ્ય આપી પિતા વિરક્ત થાય છે અને તારા ઘરમાંથી આહાર લીધા વિના કદી પણ સાધુ પાછા ગયા નથી. આ વૃત્તાંત સાંભળીને રાજા સુકૌશલ મુનિનાં દર્શન કરવા માટે મહેલમાંથી નીચે ઊતરીને ચામર, છત્ર, વાહન ઇત્યાદિ રાજચિહ્ન છોડીને કમળથી પણ અતિ કોમળ એવા અડવાણે પગે દોડયા અને લોકોને પૂછતા જાય કે તમે મુનિને જોયા? તમે મુનિને જોયા? આ પ્રમાણે પરમ અભિલાષા સહિત પોતાના પિતા કિર્તિધર મુનિ પાસે આવી પહોંચ્યા અને એમની પાછળ છત્ર-ચામરવાળા બધા દોડયા ગયા. મહામુનિ ઉધાનમાં શિલા ઉપર બિરાજતા હતા ત્યાં રાજા સુકૌશલ, જેમનાં નેત્ર આંસુઓથી ભરેલા હતા, જેની ભાવના શુભ હતી, હાથ જોડીને નમસ્કાર કરી બહુ જ વિનયપૂર્વક મુનિ સામે ઊભા રહી, દ્વારપાળોએ તેમને દરવાજેથી કાઢી મૂકયા હતા તેથી અત્યંત લજ્જા પામીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com