________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
ચૌદમું પર્વ
પદ્મપુરાણ લઈએ; રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન એટલે એકાંત વનમાં રહેવું, સ્ત્રી, બાળક, નપુંસક તથા પશુઓનો સંગ સાધુઓએ ન કરવો, બીજા સંસારી જીવોની સંગતિ ન કરવી, મુનિઓએ મુનિઓની જ સંગતિ કરવી, કાયલેશ એટલે ગ્રીષ્મમાં ગિરિશિખર ઉપર, શીતમાં નદીના કિનારે અને વર્ષામાં વૃક્ષોની નીચે તપ કરવું, માસોપવાસાદિ અનેક તપ કરવાં, એ છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત એટલે મનથી, વચનથી કે કાયાથી દોષ લાગ્યો હોય તેને સરળ પરિણામથી શ્રીગુરુની પાસે પ્રકાશીને દંડ લેવો, વિનય એટલે દેવ-ગુરુશાસ્ત્ર, સાધર્મીઓને વિનય કરવો અને દર્શનજ્ઞાનચારિત્રનું આચરણ તે જ વિનય અને તેમના ધા૨કનો વિનય કરવો, પોતાનાથી ગુણમાં જે અધિક હોય તેને જોઈને ઊઠીને ઊભા થવું, સન્મુખ જવું, પોતે નીચે બેસવું, તેમને ઊંચે બેસાડવા, મધુર વચન બોલવાં, તેમની પીડા મટાડવી, વૈયાવ્રત, એટલે જે તપસ્વી હોય, રોગયુક્તહોય, વૃદ્ધ અથવા બાળક હોય તેમની વિવિધ પ્રકારે સેવા કરવી, ઔષધ કે પથ્ય આપવું, ઉપસર્ગ મટાડવા અને સ્વાધ્યાય એટલે જિનવાણીનું વાંચવું, પૂછવું, આમ્નાય એટલે પરિપાટી, અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતન, ધર્મોપદેશ આપવો, વ્યુત્સર્ગ એટલે શરીરનું મમત્વ છોડવું અને એક દિવસથી માંડી વર્ષ પર્યંત કાયોત્સર્ગ કરવો અને આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન, શુક્લધ્યાન કરવું; આ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ બાહ્યાભ્યતર બાર તપ જ સારધર્મ છે. આ ધર્મના પ્રભાવથી ભવ્ય જીવ કર્મોનો નાશ કરે છે અને તપના પ્રભાવથી અદ્દભુત શક્તિ પ્રગટે છે. સર્વ મનુષ્ય અને દેવોને જીતવાને સમર્થ બને છે. વિક્રિયાશક્તિ વડે જે ચાહે તે કરે છે. વિક્રિયાના આઠ ભેદ છે. અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશીત્વ, વશિત્વ, મહામુનિ તપોનિધિ પરમ શાંત છે, સકળ ઈચ્છારહિત છે અને એવી શક્તિ છે કે ઈચ્છે તો સૂર્યનો તાપ દૂર કરી દે, ઇચ્છે તો જળવૃષ્ટિ કરી ક્ષણમાત્રમાં જગતને પૂર્ણ કરે, ચાહે તો ભસ્મ કરે, ક્રૂર દૃષ્ટિથી દેખે તો પ્રાણ હરે, કૃપાદૃષ્ટિથી દેખે તો રંકમાંથી રાજા કરે, ચાહે તો રત્નસુવર્ણની વર્ષા કરે, ચાહે તો પાષાણની વર્ષા કરે; ઇત્યાદિ સામર્થ્ય હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ કરે તો ચારિત્રનો નાશ થાય. તે મુનિઓની ચરણરજથી સર્વ રોગ ટળી જાય. તેમનાં ચરણકમળ મનુષ્યોના અદ્દભુત વૈભવનું કારણ છે. જીવ ધર્મથી અનંત શક્તિ પામે છે, ધર્મથી કર્મને હરે છે અને કદાચ કોઈ જન્મ લે તો સૌધર્મ સ્વર્ગાદિ સર્વાર્થસિદ્ધિ પર્યંત જાય, સ્વર્ગમાં ઇન્દ્રપદ પામે અને ઇન્દ્ર સમાન વિભૂતિના ધા૨ક દેવ થાય, જેમના મહેલો સુવર્ણના, સ્ફટિકમણિનાં શિખર, વૈસૂર્યમણિના સ્તંભ અને રત્નમય ભીંત, સુંદર ઝરૂખાથી શોભિત, પદ્મરાગમણિ આદિ અનેક પ્રકારના મણિનાં શિખરો, મોતીઓની ઝાલરોથી શોભતા અને જે મહેલોમાં અનેક ચિત્રો સિંહ, ગજ, હંસ, શ્વાન, હરણ, મો૨ કોયલ આદિનાં બન્ને ભીંત ઉ૫૨ હોય છે. ચંદ્રશાળા સહિત, ધજાઓની પંક્તિથી શોભિત, અત્યંત મનહર મહેલો શોભે છે, જ્યાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગે છે, આજ્ઞાકારી સેવકો, મનોહર દેવાંગનાઓ, સુંદર સરોવરો કમળાદિ ૨સયુક્ત, કલ્પવૃક્ષોનાં વન, વિમાન આદિ વિભૂતિઓ; આ બધું જીવધર્મના પ્રભાવથી પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com