________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ
૧૪૫ સુભટોને સોંપ્યો અને પોતે ઇન્દ્રના સુભટો તરફ દોડ્યો. તે વખતે રાવણે તેને રોક્યો અને કહ્યું કે હે પુત્ર! હવે યુદ્ધથી નિવૃત્ત થાવ, કેમ કે સમસ્ત વિજ્યાદ્ધના નિવાસી વિધાધરોના ચૂડામણિને મેં પકડી લીધો છે. હવે બધા પોતપોતાના સ્થાને જાવ, સુખેથી રહો. ડાંગરમાંથી ચોખા લઈ લીધા પછી ફોતરાંનું શું કામ છે? રાવણના વચનથી ઇન્દ્રજિત પાછો ફર્યો અને દેવોની આખી સેના શરદઋતુનાં વાદળાં સમાન નાસી ગઈ. રાવણની સેનામાં જીતનાં વાજિંત્રો વાગ્યાં. ઇન્દ્રને પકડાયેલો જોઈને રાવણની સેના અત્યંત હર્ષિત થઈ. રાવણ લંકા જવા તૈયાર થયો. સૂર્યના રથ સમાન રથ ધ્વજાઓથી શોભતા હતા અને ચંચળ અશ્વો નૃત્ય કરવા લાગ્યા. મદઝરતા, નાદ કરતા હાથી ઉપર ભમરા ગુંજારવ કરતા. આ પ્રમાણે મહાસેનાથી મંડિત રાક્ષસોનો અધિપતિ રાવણ લંકાની સમીપે આવ્યો. બધાં સગાંસંબંધીઓ, નગરના રક્ષકો અને નગરજનો, રાવણને જોવાના અભિલાષી ભેટ લઈ લઈને સન્મુખ આવ્યા અને રાવણની પૂજા કરવા લાગ્યા. રાવણે વડીલોની પૂજા કરી, તેમને તેણે નમસ્કાર કર્યા. કેટલાકને કૃપાદૃષ્ટિથી, કેટલાકને મંદહાસ્યથી, કેટલાકને વચનથી રાવણે પ્રસન્ન કર્યા. લંકા તો સદાય મનોહર છે, પરંતુ બુદ્ધિથી બધાનો અભિપ્રાય જાણીને રાવણ મહાન વિજય કરીને આવ્યો તેથી લંકાને અધિક શણગારવામાં આવી છે, ઊંચા રત્નોનાં તોરણ બાંધ્યાં છે, મંદ મંદ પવનથી રંગબેરંગી ધજાઓ ફરફરે છે, સમસ્ત ધરતી પર કુંકુમાદિ સુગંધી જળનો છંટકાવ કરવામાં આવ્યો છે અને સર્વ ઋતુનાં ફૂલો રાજમાર્ગ ઉપર વેરવામાં આવ્યાં છે, પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંગલિક મંડપ રચાયા છે, દરવાજાઓ ઉપર કમળપત્ર અને પલ્લવોથી ઢાંકેલા પૂર્ણ કળશ મૂકવામાં આવ્યા છે, આખીય નગરી વસ્ત્રાભરણથી શોભે છે. જેમ દેવોથી મંડિત ઇન્દ્ર અમરાવતીમાં આવે તેમ વિધાધરોથી વીંટળાયેલો રાવણ લંકામાં આવ્યો. પુષ્પક વિમાનમાં બેઠેલો, દેદીપ્યમાન મુગટવાળો, મહારત્નોના બાજુબંધ પહેરેલ, છાતી પર નિર્મળ પ્રભાવાળા મોતીઓનો હાર પહેરી, અનેક પુષ્પોથી વિરાજિત, જાણે કે વસંતનું જ રૂપ હોય તેવો, હર્ષથી ભરેલો એવા રાવણને જોતાં નરનારીઓ તૃત થતાં નહિ. કેવી મનોહર છબી છે! લોકો આશિષ આપે છે. નાના પ્રકારનાં વાજિંત્રોના અવાજ આવી રહ્યા છે. જયજયકાર થઈ રહ્યો છે. આનંદથી નૃત્ય કરે છે. રાવણ પણ ઉત્સાહથેલી લંકાને જોઈને પ્રસન્ન થયો. સગાંસંબંધીઓ, સેવકો બધાં જ આનંદ પામ્યાં. દેખો ભવ્ય જીવો! રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્ર પૂર્વપુણ્યના ઉદયથી સમસ્ત વેરીઓને જીતીને, તેમને તૃણવત્ ગણીને બન્ને શ્રેણીનું રાજ્ય ઘણાં વર્ષો સુધી કર્યું અને ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યો હતો અને જ્યારે પુણ્ય ક્ષય પામ્યું ત્યારે બધી વિભૂતિ નષ્ટ થઈ ગઈ. રાવણ તેને પકડીને લંકામાં લઈ આવ્યો. માટે મનુષ્યના ચપળ સુખને ધિક્કાર હો. જો કે સ્વર્ગના દેવોનું સુખ વિનાશિક છે તો પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમાં ફેરફાર થતો નથી, જ્યારે બીજો ભવ પામે ત્યારે ફેરફાર થાય છે અને મનુષ્ય તો એક જ ભવમાં અનેક દશા ભોગવે છે; માટે મનુષ્ય થઈને જે માયાનો ગર્વ કરે છે તે મૂર્ખ છે. આ રાવણ પૂર્વના પુણ્યથી પ્રબળ વેરીઓને જીતીને અત્યંત વૃદ્ધિ પામ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com