________________
૬૭
ગાથા-૯૭ મારગ. ગાથા બહુ ઊંચી છે. આહા!
એ મોટા ચક્રવર્તી પદમાં હોય, બ્રહ્મદત્ત ચક્રવર્તી ૯૬OOO સ્ત્રી ૯૬ કરોડ ગામ, ૯૬ કરોડ પાયદળ પણ એ આત્મા જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ તેનાથી ભ્રષ્ટ થયેલો અજ્ઞાની, એ સ્ત્રીઓનો ને મકાનનો ને એનો સ્વાદ નો'તો એને, એને સ્વાદ હતો રાગ અને પુણ્ય ને પાપના ભાવનો સ્વાદ, જે શુભ-અશુભ રાગ એ ઝેર સમાન છે, ઝેરનો સ્વાદ હતો. આહાહા!
અમૃતરૂપ વિજ્ઞાનઘન ભગવાન એનાથી અજ્ઞાની ભ્રષ્ટ થયો એ ઝેરનો રાગનો સ્વાદ લે છે. આહાહા! મુદ્દાની વાત છે આ તો. સમજાણું કાંઈ? આંહીં તો કહે છે ને દયા પાળીએ છીએ ને વ્રત કરીએ છીએ ને ભક્તિ ને પૂજાને દાન કરીએ છીએ ને મંદિર બનાવીએ છીએ ને એમાં એને જે રાગ થાય એ રાગને વેદે છે, પરને નહિ, સ્વને નહિ. આહાહાહા ! એ અકૃત્રિમ વિજ્ઞાનઘન, નિર્વિકલ્પ પ્રભુ આત્મા છે અભેદ, એનું જેને જ્ઞાન નથી અનાદિથી, તેથી તેના સ્વભાવના અભાવરૂપ, શુભ-અશુભ રાગનો તેને ઝેરનો સ્વાદ છે. અમૃતનો સ્વાદ ભગવાનનો એને નથી. આહાહાહા! ભલે દિગંબર સાધુ થાય, પંચમહાવ્રત પાળે, ૨૮ મૂળગુણ, પાંચ સમિતિ ગુતિ વ્યવહાર, પણ એ બધા રાગ છે, ને રાગનો સ્વાદ તે (વિકલ્પથી) ભ્રષ્ટ થયો નિર્વિકલ્પથી, એનો સ્વાદ વિકલ્પનો છે. આવું કામ છે બાપુ! આહાહા ! એ અજ્ઞાનીની વાત અનાદિની કરી.
હવે જ્ઞાનીની. “અને જ્યારે આત્મા જ્ઞાની થાય” આહાહા! આત્મા અકૃત્રિમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન તેની સન્મુખ થઈને તેનો અનુભવ કરે, તેનું નામ જ્ઞાની. આહાહાહા ! તેનું નામ ધર્મી, ધર્મની પહેલી દરજ્જાવાળો જ્યારે આત્મા જ્ઞાની થાય, એટલે કે રાગના વિકલ્પથી પ્રભુ ભિન્ન છે, એને આત્માનું સચ્ચિદાનંદ પ્રભુ વિજ્ઞાનઘન જે છે અકૃત્રિમ, નિર્વિકલ્પ, એનું અંતરમાં નિમિત્તનું લક્ષ છૂટી, રાગનું લક્ષ છૂટી, પર્યાયના ઉપરનું પણ લક્ષ છૂટીને જ્ઞાન, આત્માનું જ્ઞાન થાય એમ કીધું ને, આત્મજ્ઞાન કીધું ને? પર્યાયનું જ્ઞાનેય નહિ, રાગનું નહિ, નિમિત્તનું નહિ, આત્મા જ્ઞાની થાય એટલે આત્મજ્ઞાની થાય. આહાહા!
આત્મા અણાકુળ આનંદના સ્વાદ સ્વભાવથી ભરેલો પ્રભુ એનું જેને જ્ઞાન થાય, સમકિત દર્શન થાય, અહીં જ્ઞાનથી પ્રથમ વાત લીધી છે, સમ્યગ્દર્શનમાં આત્માનું જ્ઞાન થાય, તેને આત્માનો સ્વાદ આવે. આહાહાહા ! જ્ઞાનને લીધે, જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે સ્વરૂપ આનંદ ને જ્ઞાનઘન છે, એવું જ્ઞાનને લીધે, “જ્ઞાનનાં આદિથી માંડીને” જ્યારથી સ્વરૂપનું જ્ઞાન થયું, રાગના વિકલ્પથી ભિન્ન પડીને, ત્યારથી તે “જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદ અનુભવન હોવાથી” શું હવે કહેવું છે? આત્માનું જ્ઞાન થાય, સમ્યગ્દર્શન સ્વરૂપ એમ થતાં તેને પૃથક્ પૃથક્ સ્વાદ આવે ભાઈ, એકલો સ્વાદ નથી લીધો. પૃથક પૃથક સ્વાદનું સ્વાદન–અનુભવન હોવાથી આત્માના આનંદનો સ્વાદ છે, અને જરી રાગ છે એનો પણ ભિન્ન સ્વાદ જાણે છે, શું કહે છે? આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, વીતરાગ પરમેશ્વરે જોયો એ આત્મા હોં, આ લોકો અજ્ઞાની આત્મા આત્મા કરે, વેદાંતમાં ને બધામાં એ વસ્તુ બધી કલ્પિત કૃત્રિમ છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર એણે જે વિજ્ઞાનઘન આત્મા કહ્યો, એનું જેને અંતરસન્મુખ થઈને જ્ઞાન થયું. જ્યારથી જ્ઞાનથી માંડીને આહાહા...