________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
* ટીકા ઉપરનું પ્રવચન *
આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય–ઉપયભાવ (ઉપાય-ઉપયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપય છે.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ, જ્ઞાનનો પિંડ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા ત્રિકાળ છે, છતાં તેની પર્યાયમાં ઉપાય-ઉપયભાવ છે જ. અહાહા..! વસ્તપણે આત્મા નિત્ય જ્ઞાનમાત્ર હોવા છતાં એની પર્યાયમાં સાધકપણું-મોક્ષમાર્ગ અને સિદ્ધપણું અર્થાત્ મોક્ષ-એવા બે ભાવ છે જ; કેમકે દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે એમ બન્ને રૂપે ક્રમથી પરિણમે છે. એમાં જે સાધકરૂપ પરિણમન છે તે ઉપાય છે અને સિદ્ધરૂપ પરિણમન તે ઉપય છે; અર્થાત્ પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ તે ઉપય છે, અને જેના વડે પ્રાપ્ત કરાય તે મોક્ષમાર્ગ ઉપાય છે. સમજાણું કાંઈ...?
જુઓ, સાધકપણું અને સિદ્ધપણું એ બે આત્માના પરિણામ છે, પર્યાય છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ અને રમણતા થયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની વીતરાગી દશા પ્રગટ થાય છે તે સાધક દશા છે, તે સાધકદશારૂપે પોતે જ પરિણમે છે. અને કેવળજ્ઞાન થઈને સિદ્ધરૂપ જે દશા થાય છે તે રૂપે પણ પોતે જ પરિણમે છે. એમાં બહારનાં સાધનોની એને ગરજ-અપેક્ષા નથી. બહારમાં વ્યવહાર સારો સુધારે તો સાધક દશા પ્રગટ થાય એમ નથી. જોકે મોક્ષમાર્ગીને બહારમાં વ્યવહાર સારો-યથાર્થ જ હોય છે, પણ એનાથી અંતરની સાધકદશા પ્રગટ થાય છે એમ નથી. ભાઈ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું છે એ તો રાગની વૃત્તિનું ઉત્થાન છે, એ રાગની વૃત્તિના સહારે અંદર આત્માની નિર્મળ વીતરાગી સાધકદશા થાય એમ ત્રણકાળમાં છે નહિ. ' અરેરે ! શું થાય? અનાદિકાળથી પોતાની ચૂત વસ્તુની મહત્તા જ એને ભાસી નથી, અને તેથી નિજ સ્વભાવને ભૂલી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરતાં કરતાં મને સાધકપણું-સમ્યગ્દર્શનાદિ થશે એવી ( મિથ્યા) માન્યતા વડે તે અજ્ઞાની જીવ ટેવાઈ ગયો છે, ને ઘેરાઈ ગયો છે. અહા ! અંદર સચ્ચિદાનંદસ્વરૂપ-સત નામ શાશ્વત, ચિત્ નામ, જ્ઞાન, અને આનંદસ્વરૂપ-પોતે ત્રિકાળ હોવા છતાં તેને ભૂલીને હું મનુષ્ય છું, હું પુણ્યવાળો છું, હું રાગી છું ને અલ્પજ્ઞ છું એવી જે પર્યાયબુદ્ધિ છે તે ભ્રમ-મિથ્યાત્વદશા છે. અહાહા..! અંદર આનંદનો સમુદ્ર પોતે હોવા છતાં મારો આનંદ વિષયોમાંથી આવે છે એમ માન્યું છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે દીર્ધકાળ પર્યત ચાર ગતિમાં રઝળાવનારું સંસારનું બીજ છે.
અહા ! આ મિથ્યાત્વનો ભ્રાંતિનો નાશ કરવાનો ઉપાય શુદ્ધ ચૈતન્યનાં દષ્ટિ-જ્ઞાન અને રમણતા છે; એનાથી અજ્ઞાનનો નાશ થઈને સાધકદશા પ્રગટ થાય છે, અને તે સાધકદશારૂપ ઉપાયથી ઉપય એવી મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. પોતામાં અપૂર્ણ શુદ્ધદશાનું થયું તે સાધકભાવ છે, ને પૂર્ણ શુદ્ધદશા તે સાધ્ય-મોક્ષ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ તો આશ્રયનો-આલંબનનો વિષય છે, એ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી, પણ એના આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયો પ્રગટ થાય છે.
મોક્ષમાર્ગથી મોક્ષદશાની પ્રાપ્તિ થાય એમ બોલાય ખરું, પરંતુ એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર મોક્ષનું કારણ તો કર્મ-નોકર્મથી ભિન્ન એવો મોક્ષસ્વરૂપ નિજ આત્મા છે, કેમકે તેનો પૂર્ણ આશ્રય થયે મોક્ષ પ્રગટ થાય છે. વિશેષ વિચારતાં મોક્ષની દશા જે પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે, અને તે જ મોક્ષરૂપ કાર્ય છે.
અહાહા...! નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ હું આત્મા છું. મારી ચીજમાં દેહ-મન-વાણી નહિ, કર્મનોકર્મ નહિ, ને એક સમયમાં ઉત્પન્ન થતો વિકાર પણ નહિ એવો હું અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છું. અહીં કહે છે–આવો આત્મા પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે પોતાથી પરિમિત થાય છે. સાધકદશા-ઉપાય હો ભલે, પણ એક સમયની પૂર્ણ આનંદની દશા-મોક્ષદશા-પરમ વીતરાગી દશા-તેરૂપે આત્મા સ્વયં પરિણમે છે, પૂર્વમાં ઉપાય છે માટે એનાથી ઉપય-મોક્ષદશા થઈ છે એમ નહિ. આવી સૂક્ષ્મ વાત ભાઈ ! હવે આમાં વ્યવહાર (રાગ ) કારણ છે એ તો કયાંય ઉડી ગયું. સમજાય છે કાંઈ..?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com