________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૧ આત્મા પોતે વસ્તુ છે તે અતિ છે, સત્ છે. તો વસ્તુ સત્ છે તેનો સ્વભાવ હોય કે નહિ? જેમ સાકર વસ્તુ છે તેનો ગળપણ આદિ સ્વભાવ છે, તેમ આત્મા વસ્તુ છે તેના જ્ઞાન-દર્શન આદિ અનંત સ્વભાવો છે. અહાહા....! અનંત સ્વભાવોનું એક પ્રભુ આત્મા છે. અહા ! આવા અખંડ એક ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્માને લક્ષમાં લેતાં પર્યાયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વીતરાગ દશા પ્રગટ થાય છે અને તેને સર્વજ્ઞ પરમેશ્વરે અહિંસા પરમો ધર્મ કહ્યો છે, અને એમાં અનેકાન્ત અને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. કઈ રીતે? તે આ રીતે કે-પરથી ખસીને નિજ ચૈતન્યમય દ્રવ્ય જેવું અભેદ એક કહ્યું તેની દષ્ટિ-તેની એકાગ્રતા થતાં પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી અને તે જ અહિંસા ધર્મ ને તે જ અનેકાન્તની સિદ્ધિ થઈ ગઈ; અને એ જ મિથ્યાત્વ જે પરિગ્રહુ હતો તેના નાશરૂપ અપરિગ્રહ છે. આ રીતે અહિંસા ધર્મમાં અનેકાન્ત ને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. પરથી ખસીને સ્વમાં વસે તે અનેકાન્તનું અમૃત છે, તે અહિંસા છે ને તે જ પરમાં મમત્વના અભાવરૂપ અપરિગ્રહ છે. સમજાણું કાંઈ–?
અહાહા...! અનંત અનંત આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં એકાગ્રલીન થઈ પરિણમવું તે વીતરાગી પરિણામરૂપ અહિંસા છે, અને એનું જ નામ પરને પર જાણી, પરથી ખસી સ્વમાં વસવારૂપ-સ્વને અનુભવવારૂપ અનેકાન્ત છે તથા તે જ અપરિગ્રહવાદ છે. તેવી જ રીતે સત્યસ્વરૂપ પ્રભુ આત્મા છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે જ સત્ય છે, આથી વિરુદ્ધ રાગ જે પરવસ્તુ છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે અસત્ય છે; વળી રાગથી ખસી બ્રહ્મ નામ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે, એનાથી વિપરીત રાગમાં ચરવું-રમવું તે અબ્રહ્મચર્ય છે. લ્યો, આવી વાત. (એક વીતરાગ પરિણામમાં પાંચે વ્રત ને અનેકાન્ત સમાઈ જાય છે).
વળી કહે છે- “અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ પર્યાયો વડ અનેકપણું છે.'
અહાહા....! જોયું? અનંત ગુણ-પર્યાયોના સમુદાયરૂપ અભેદ જે દ્રવ્ય તે વડ એક છે, ને ગુણ-પર્યાયોના ભેદથી જોતાં તે વડ અનેકપણું છે. ત્યાં જ્યાં અનેકરૂપ એવી પર્યાય એકનો (ધ્રુવ દ્રવ્યનો) નિર્ણય કરે છે ત્યાં પર્યાયથી અનેકપણું છે એમ ભેગું જ્ઞાન થઈ જ જાય છે. આ અપેક્ષાએ એક છે, ને આ અપેક્ષાએ અનેક છે એમ ધારણામાં લઈ લીધું તે કાંઈ વસ્તુ નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં એકનો નિર્ણય-પ્રતીતિ આવી જાય ત્યાં અનેકપણાનું-પર્યાયનું જ્ઞાન થઈ જ જાય છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ અનેકાન્તમય વસ્તુ જેમ છે તેમ તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરાવે છે. અહા ! વસ્તુ દ્રવ્યરૂપથી જે એક છે તે જ દ્રવતી થકી પર્યાયરૂપે અનેકપણે થાય છે, માટે તે જ અનેક છે. આવી વાત ! સમજાણું કાંઈ....?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com