________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે– એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવોઅનુભવવો).'
અહાહા...કહે છે-જ્ઞાન જ પ્રવજ્યા-દીક્ષા છે. લ્યો, આ લુગડાં કાઢી નાખ્યાં ને પાંચ મહાવ્રત બહારમાં પાળ્યાં એટલે દીક્ષા થઈ ગઈ એમ નહિ. બહુ આકરી વાત બાપા! આ સંસારી પ્રાણીઓ વિષય-કષાયની પ્રવૃત્તિમાં રોકાયેલા રહે એ તો એકલું પાપ છે. ઘણો કાળ તો એનો એમાં જ જતો રહે છે. અહીં વિશેષ વાત એમ છે કે-કોઈ દિગંબર દશા ધારે અને દયા, દાન, વ્રતાદિ પાળે એટલે એને દીક્ષા–ચારિત્ર થઈ ગયાં એમ નહિ. દયા, દાન આદિ રાગના પરિણામ તો પરસમય છે ભાઈ ! તેનું લક્ષ છોડી અંદર સ્વસમયમાં આવ ભાઈ ! એમ અહીં કહેવું છે. અહાહા....! આત્મા જ પ્રવજ્યા છે; અર્થાત્ આત્માને છોડી કોઈ પ્રવજ્યાનું-ચારિત્રનું સ્વરૂપ જ નથી. દયા, દાન, વ્રતાદિનો રાગ એ પ્રવજ્યાનું સ્વરૂપ જ નથી. આવી વાત!
વાદિરાજ મહા મુનિવર હતા. બહાર શરીરમાં કોઢનો રોગ થયેલો; પણ અંદર ત્રણ કષાયના અભાવવાળી વીતરાગ દશામાં ઝુલતા હતા. સમ્યગ્દર્શન ઉપરાંત સ્વરૂપના આનંદની રમઝટ અંદર ચાલતી હતી. તેઓ સ્તુતિમાં કહે છે- હે પ્રભો ! હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું તો આયુધના ઘા પડે એમ અંદર ઘા વાગે છે. જુઓ, આ મુનિરાજને અદર વિકલ્પ ઉઠયો છે તે આયુધના ઘા જેવો આતાપકારી છે. અહીં ! મિથ્યાદીષ્ટના સંકલેશ ભાવથી થતા દુઃખની તો શું વાત કહેવી ? એ તો પારાવાર અકથ્ય છે. અહીં તો ધર્માત્મા ચારિત્રવત મુનિવરને આ શુભ વિકલ્પ ઉઠયો છે એય, કહે છે, શસ્ત્રના ઘા જેવો ભારે પીડાકારી છે. ભાઈ ! રાગનું સ્વરૂપ જ દુ:ખ છે. પંચ પરમેષ્ઠીમાં ભળેલા સંતમુનિવરનો આ પોકાર છે.
અહીં કહે છે- આત્મા જ પ્રવજ્યા નામ ચારિત્ર છે. પંચમહાવ્રતનું પાલન તે ચારિત્ર એમ નહિ. ભાઈ ! આ કોઈના અનાદર માટે વાત નથી. આત્મા અંદર આનંદસ્વરૂપ પ્રભુ છે તેનો અનાદર કોણ કરે? આ તો માર્ગ આવો છે ભાઈ ! પંચમહાવ્રતના પરિણામને જ ચારિત્ર માની એમાં તું સંતુષ્ટ થાય એમાં ભારે નુકશાન છે ભાઈ ! કેમકે નિર્મળાનંદ પ્રભુ આત્મા પોતે જ ચારિત્ર છે. આત્મા ચેતન્યઘન પ્રભુ પોતે જ પ્રવજ્યા છે. સ્વસ્વરૂપમાં અંતર્લીન થયેલી દશા ચારિત્ર છે, અને તે પોતે જ છે. તેમાં રાગનું આલંબન કયા છે?
આમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે, કહે છે, અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો. અહીં જ્ઞાન શબ્દ આત્મા સમજવું. મલિન અને નિર્મળ પર્યાયો સાથે આત્માને જુદાઈ નથી, અભિન્નતા છે એમ નિશ્ચયથી સિદ્ધ થયેલું જાણવું. પર્યાયમાં જે શુદ્ધતા-અશુદ્ધતા છે તે આત્મા જ છે એમ નિશ્ચય જાણવું. હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com