________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦ ]
૩૮૩ વિશુદ્ધ ધર્મધ્યાન' એટલે શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એને અહીં ધર્મધ્યાન કહ્યું છે. અહીં આ શબ્દ જરી અટપટો (નામથી) વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વાપર્યો છે. નિયમસારમાં આવે છે કે નિશ્ચય ધર્મધ્યાન ને વ્યવહાર ધર્મધ્યાન-બન્ને ભિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે ને (કર્મ આદિ) પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં આ મોટો ગોટો ઊઠયો છે-કે શુભભાવથી ધર્મ થાય. પણ ભાઈ ! શુભભાવ એ નિશ્ચયથી તો આર્તધ્યાન છે, એ ધર્મધ્યાન કેવું? જાઓને! અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે- ‘વિશુદ્ધ ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે....” અહાહા....! શુભભાવથી ધર્મ માનનારા, અહા! શુભભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કહે છે.
' અરે ભાઈ ! જેઓ શુભભાવમાં ગળા સુધી ગરી-ડૂબી ગયા છે એવા જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ગોળો ચૈતન્યમહાપ્રભુ પોતે છે એની ખબર સુદ્ધાં નથી. અંધ બુદ્ધિ છે ને? અહા! શુભભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મદ્રવ્ય છું-એ ભાસતું નથી. શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. આવે છે ને કે
‘તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ.' એમ શુભભાવની આડમાં પોતાના ભગવાનને એ ભાળતો નથી
વળી કોઈ કહે છે-આ સમયસાર તો મુનિઓ માટે છે. એમ કે એનો સ્વાધ્યાય ગૃહસ્થો માટે નથી.
પણ ભાઈ ! અહીં તો આ સ્પષ્ટ લખ્યું કે શુભભાવથી અંધ છે બુદ્ધિ જેમની તેમને સમજાવવામાં આવે છે. અહા! જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કર્મનો વિચાર કર્યા કરવો ઇત્યાદિ શુભરાગમાં-વ્યવહારમાં જ મૂઢ છે (નિશ્ચયને જાણતા નથી) એવા જીવોને આ સમયસાર સમજાવવામાં આવે છે. ભાઈ ! તારી વાતમાં બહુ ફેર છે બાપા!
નિશ્ચયને જાણતાં વ્યવહારને જાણે એ તો જ્ઞાની છે. વ્યવહારનો રાગ છે એનાથી ભિન્ન પડીને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનો અનુભવ કરે છે તે વ્યવહારનો યથાર્થ જાણનારો છે. પણ અહીં તો શુભમાં-વ્યવહારમાં અંધ છે બુદ્ધિ જેની એવા મૂઢ અજ્ઞાનીને સમજાવવામાં આવે છે. ( જ્ઞાનીને-મુનિને ક્યાં સમજાવવો છે? એને તો એવો સ્વાધ્યાયનો રાગ આવે છે બસ એટલું જ ).
અહા ! કર્મના આઠ ભેદ, એની ૧૪૮ પ્રકૃતિ, એનાં બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ ઇત્યાદિ બધું સર્વશની વાણી સિવાય બીજે ક્યાંય છે નહિ. અહા ! આવા સર્વજ્ઞના માર્ગમાં પણ કર્મપ્રકૃતિ સંબંધી વિચારશૃંખલામાં જ રોકાઈ જાય તેઓ, અહીં કહે છે, શુભભાવમાં આંધળા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com