________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ] ક્રિયાકાંડનો વ્યવહાર કરે, પણ તેથી ભવભ્રમણ મટે નહીં. ભાઈ ! ધર્મનો પંથઅનુભવનો પંથ જગતથી કાંઈ જુદો છે.
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * આચાર્યદવ કહે છે કે અમે આગમનું સેવન કર્યું છે. ભગવાન સર્વજ્ઞદેવથી પરંપરાએ ચાલી આવેલી જે જિનવાણી તેની સેવા કરવાથી અમને જ્ઞાનવિભવ પ્રગટ થયો છે. બીજી રીતે કહીએ તો અમને સમ્યગ્દર્શનાદિ પામવામાં પરંપરા સર્વજ્ઞદેવની વાણીનું નિમિત્ત છે. અજ્ઞાનીની વાણીના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય એમ કદીય બનતું નથી. અન્ય સંપ્રદાયના આગમ એ વીતરાગની વાણી નથી. આવી વાતથી કોઈને દુઃખ થાય પણ સત્ય વસ્તુ આ છે. સર્વજ્ઞથી પરંપરા સનાતન સત્ય દિગંબર પંથ ચાલ્યો આવે છે તે જ સત્ય છે. સમ્યગ્દર્શનમાં નિગ્રંથ દિગંબર ગુરુની જ વાણી નિમિત્ત બને છે. કોઈ પ્રત્યે વેર-વિરોધની આ વાત નથી પરંતુ જે દષ્ટિ વિપરીત હોય તેનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ.
હવે કહે છે અમે યુક્તિનું અવલંબન લીધું છે. તેથી વીતરાગદેવ શું કહે છે અને વિરોધી અન્યવાદીઓ શું કહે છે તેનો યુક્તિના અવલંબનથી નિર્ધાર કર્યો છે. સત્ય શું છે તેનો યુક્તિ દ્વારા અમે સાચો નિર્ણય કર્યો છે.
ત્રીજી વાત પરંપરા ગુરુનો ઉપદેશ અમને મળ્યો છે. સર્વજ્ઞદેવ પરમગુરુ અને ગણધરાદિક અપરગુરુ-તેમના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારો આત્મવૈભવ અમને પ્રગટ થયો છે.
ચોથી વાતઃ અમને અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુર સ્વસંવેદન થવાથી, જ્ઞાયક જે ધ્રુવસ્વરૂપ તેના પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાનવિભવ પ્રગટ થયો છે.
એમ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વૈભવથી હું એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડું છું; તેને હું શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરજો. ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો દોષ ગ્રહણ ન કરશો. અહીં અનુભવની પ્રધાનતા છે. તેના વડે શુદ્ધસ્વરૂપનો નિશ્ચય કરો એમ આશય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com