________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
[ સમયસાર પ્રવચન સર્વ વિશેષો વિલય થઈ ગયા છે. એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે પ્રવચનસાર ગાથા ૧૭ ના અલિંગગ્રહણના અઢારમાં બોલમાં આવે છે કે આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. “લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે.” અહીં જ્ઞાનગુણની મુખ્યતાથી વાત કરી છે, પરંતુ બધા ગુણભેદ એમાં લઈ લેવા. ત્રિકાળીમાં કોઈ ગુણભેદ છે નહીં. એક સામાન્ય જ્ઞાયકભાવચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ પડતાં ગુણભેદ અસ્ત થઈ જાય છે, અસત્યાર્થ થઈ જાય છે. આત્મસ્વભાવની સમીપ જઈને એટલે કે ભૂતાર્થ સ્વભાવને મુખ્ય કરીને એનો આશ્રય કરવામાં આવે અને ગુણભેદને ગૌણ કરવામાં આવે તો જ્ઞાન, દર્શન આદિ ભેદો અભૂતાર્થ છે.
સોનામાં ભેદ અપેક્ષાએ ચીકાશ, વજન આદિ ભેદો છે. પણ ભેદને જોતાં જ્ઞાનમાં અંશ જણાય છે, આખી સુવર્ણ-વસ્તુ દષ્ટિમાં આવતી નથી. અને આખી વસ્તુ દષ્ટિમાં આવ્યા વિના સુવર્ણનું યથાર્થ જ્ઞાન થતું નથી.
સોનીને ત્યાં કોઈ સોનાનો દાગીનો વેચવા લઈ જાય તો સોની ઘાટની કિંમત ચૂકવતો નથી, કેમકે ઘાટ એને મન કાંઈ નથી. એના જ્ઞાનમાં તો સોનાની કિંમત છે. એવી રીતે જ્ઞાનીના જ્ઞાનમાં પર્યાયવિશેષ કે ગુણવિશેષ કાંઈ નથી. ગાથા ૭ માં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન, દર્શન આદિ ભેદો નથી. તો પ્રશ્ન ઊઠે કે તે ભેદ શું જડમાં છે? ના, જડમાં નથી. જ્ઞાન, દર્શન આદિ છે તો આત્મામાં, પણ જ્ઞાનીને ભેદ ઉપર લક્ષ નથી; કેમકે ગુણભેદની દષ્ટિ કરતાં સામાન્ય ત્રિકાળ ધ્રુવ આખી આત્મવસ્તુ અનુભવમાં આવતી નથી, આખી વસ્તુનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનીને એક જ્ઞાયકભાવ જ મુખ્ય છે, એને એની જ કિંમત છે. તેથી દ્રવ્યદૃષ્ટિ થતાં ગુણભેદ કાંઈ નથી, અસત્યાર્થ છે.
જ્ઞાનપર્યાય જ્યાંસુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાંસુધી દ્રવ્યનું જ્ઞાન નથી, ત્યાંસુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં આખા દ્રવ્યનું-પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાનથવું તે પરિજ્ઞાન-પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું, કે ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. (એ તો અજ્ઞાન છે ). પરિપૂર્ણની પ્રતીતિ તે સમ્યગ્દર્શન અને પરિપૂર્ણમાં સ્થિરતા તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં સ્થિરતા એ ચારિત્ર એમ નહીં, એ તો પર્યાયો છે. પરિજ્ઞાન એ પર્યાય છે. એ પર્યાયમાં આત્મા જેવો પરિપૂર્ણ છે એને ય બનાવીને તેનું જ્ઞાન આવે, પરંતુ આખો આત્મા પર્યાયમાં આવતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com