________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
[ સમયસાર પ્રવચન હવે કહે છે... પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન અનુત્કૃષ્ટ મધ્યમભાવને અનુભવે છે-એટલે કે જેઓને નિજ શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, કાંઈક ચારિત્ર પણ પ્રગટ થયું છે, પણ પૂર્ણ ચારિત્ર તથા કેવળજ્ઞાન નથી તેથી મધ્યમભાવ વર્તે છે-એવા પુરુષોને અશુદ્ધ દ્રવ્યને કહેનારો હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાયા છે એવો વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહીં દ્રવ્યને અશુદ્ધ કહ્યું એનો આશય એમ છે કે (૧) પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા નથી તેથી રાગાદિ અશુદ્ધતા પણ છે અને (૨) પર્યાયગત અશુદ્ધતા સ્વયં દ્રવ્યની છે, પરને લઈને અશુદ્ધતા કે શુદ્ધતા થઈ છે એમ નથી. જાદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એટલે પહેલા સમયે જે શુદ્ધિ પ્રગટી તે કરતાં બીજા સમયે વિશેષ, ત્રીજા સમયે એનાથીય વિશેષ એમ વધતી જાય છે અને સાથે સાથે અશુદ્ધિ પ્રતિસમય ક્રમશ: ઘટતી જાય છે. આ પ્રમાણે શુદ્ધતા-અશુદ્ધતાના અંશો અનેક પ્રકારના છે એ દેખાડનાર વ્યવહાર તે તે કાળે સાધકદશામાં જાણેલો પ્રયોજનવાન છે.
દષ્ટિનો વિષય જે આત્મા ત્રિકાળ ધ્રુવ એકરૂપ શુદ્ધ છે તે નિશ્ચય છે, સત્યાર્થ છે. તેની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ગાથા ૧૧માં અસત્યાર્થ કહી છે. પરંતુ અહીં તેનું અસ્તિપણું સ્થાપે છે. વ્યવહારનયથી દષ્ટિએ વ્યવહારનય અને એનો વિષય છે. એટલે શું? જેમ અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં સોનું સંપૂર્ણ સોળવલું શુદ્ધ ન થાય ત્યાં સુધી અનેક રંગભેદ ઉત્પન્ન થાય છે, તેમ આત્મામાં પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી તેની અવસ્થાઓ જે ભિન્ન ભિન્ન શુદ્ધતાઅશુદ્ધતાના અંશો સહિત હોય છે-તે વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે, આદરવા યોગ્ય નહીં. ત્રિકાળી શુદ્ધ નિશ્ચય એ એક જ આદરણીય છે. બન્ને આદરણીય હોય તો બે નય ન થાય. તેથી ત્રિકાળી ધ્રુવ સસ્વરૂપ એ આદરણીય છે એમ જાણવું અને વ્યવહારનય હેય છે એમ જાણવું એ પ્રયોજનવાન છે.
ભાઈ ! આ તો અંતરનો માર્ગ ઊંડા રહસ્યથી ભરેલો છે. એને સમજવા માટે ઘણી પાત્રતા અને હોંશ કેળવવી જોઈએ. નિયમસારમાં કહ્યું છે કે સંવર, નિર્જરા, મોક્ષની પર્યાય એક સમયની છે, નાશવાન છે, તેથી હેય છે. પણ અહીં તો એમ કહ્યું કે પર્યાય ભલે નાશવાન અને ય છે, પણ એ જાણવા લાયક છે. એ વ્યવહારનયનો વિષય છે. નય છે તો એનો વિષય પણ છે. નિશ્ચયના કાળમાં નિશ્ચયને ઉપાદેય જાણવો એટલે કે દ્રવ્યને અભેદ અનુભવવું તે કાર્યકારી છે. તેમ વ્યવહારના કાળમાં વ્યવહારને હેયપણે જાણવો એ પ્રયોજનભૂત છે. આ પ્રમાણે બન્ને નયો કાર્યકારી સમજવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com