________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
[ સમયસાર પ્રવચન કે તેને પેટામાં રાખીને, દ્રવ્યમાં ભેળવીને નહીં; પર્યાય પર્યાયમાં છે એમ રાખીને એની મુખ્યતા ન કરતાં, તળેટીમાં રાખીને તેને અસત્યાર્થ કહેવામાં આવેલ છે.
ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યકદર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે સમ્યકદર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય-દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યક્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યક્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો ક્યાંય રહ્યું. આ કોઈ અલૌકિક અને અપૂર્વ ચીજ છે ભાઈ !
આ રીતે પર્યાયને ગૌણ કરીને ગાથા ૧૧માં કથંચિત અસત્ય કહી તો પર્યાય છે કે નહીં, એનું અસ્તિત્વ છે કે નહીં એનું ગાથા ૧૨ માં જ્ઞાન કરાવે છે.
અનાદિકાળથી જીવને મિથ્યાત્વભાવના કારણે રાગનું વેદના અને રાગનો સ્વાદ હતો. તેને કોઈ પ્રકારે દષ્ટિનો વિષય જે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થતાં, એનો પ્રત્યક્ષ અનુભવ થતાં સમ્યગ્દર્શન સહિત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ તો નિશ્ચય થયો. ત્યારે તે ધર્મની શરૂઆત થતાં સાધક બન્યો. આવા સાધક આત્માને પૂર્ણશુદ્ધતારૂપ પરમાત્મદશા પ્રાપ્ત ન થાય-સ્વનો પૂર્ણ આશ્રય ન થાય ત્યાં સુધી પર્યાયમાં ક્રમશઃ શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે-એવું કાંઈ રહે છે કે નહીં? આમ વ્યવહારનું ૧૧ મી ગાથા પછી આ ૧૨ મી ગાથામાં સ્પષ્ટ જ્ઞાન કરાવે છે. પૂર્ણદશાને પ્રાપ્ત પરમાત્માને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા એવું હોતું નથી. એને તો સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે એટલે વ્યવહાર હોતો નથી. પરંતુ નીચલી દશામાં એટલે કે જઘન્યદશાથી-સમ્યગ્દર્શનથી જે આગળ ચાલ્યો છે, એટલે કે શ્રદ્ધાથી આગળ જેને આત્મ-એકાગ્રતા ક્રમશઃ વધતી ચાલી છે, પણ પૂર્ણદશા-ઉત્કૃષ્ટદશા થઈ નથી એવા મધ્યમભાવને અનુભવતા સાધકને શુદ્ધતાની સાથે મહાવ્રત આદિના વિકલ્પો પણ છે તે જાણેલા પ્રયોજનવાન છે એમ હવે કહે છે.
ગાથા ૧૨ની ઉત્થાનિકા: (પ્રવચન ) હવે “એ વ્યવહારનય પણ કોઈ કોઈને, કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે.” ૧૧ મી ગાથામાં નિશ્ચયનય આશ્રય કરવાની અપેક્ષાએ આદરેલો પ્રયોજનવાન કહ્યો. હવે વ્યવહારનય પણ કોઈ કોઈને એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com