________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૧૫ રાગીને ભેદના લક્ષે રાગ થાય અને એમાં ધર્મ માને તો તે મિથ્યાદષ્ટિ છે. અહીં કહે છે કે રાગ મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને એટલે ભેદનું લક્ષ છોડી દઈને અભેદ એકરૂપ જ્ઞાયકનું લક્ષ કરવું. તેથી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ થાય છે, અને તે ધર્મ છે.
જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહે કે ગુણીમાં પર્યાય છે અર્થાત્ દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે. પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ.
જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે એવી આ વાત છે. રાગ મટે નહીં ત્યાંસુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. વીતરાગ થયા પછી સર્વજ્ઞ ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે ત્યાં વિકલ્પ નથી. સર્વજ્ઞ વીતરાગ દશા થઈ પછી ભેદને ગૌણ કરીને અભેદને જાણવું એવું રહેતું નથી. કેવળી ભગવાન તો ભેદ-અભેદ બન્નેને એકસાથે જાણે છે. ત્યાં પછી નયનું આલંબન નથી. એટલે કે ભેદને ગૌણ કરી દ્રવ્ય જે અભેદપૂર્ણ તે તરફ ઢળવું એમ ત્યાં રહેતું નથી. જ્યાં સુધી રાગ રહે, દ્રવ્યનું પૂર્ણ આલંબન ન હોય ત્યાંસુધી નયનું આલંબન છે. પરંતુ રાગ છૂટી જતાં પૂર્ણ વીતરાગ થયા બાદ એને અભેદ તરફ ઢળવું એમ નયનું આલંબન રહેતું નથી.
આ તો સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગનો અપૂર્વ માર્ગ છે. સાધારણ માણસો જે માનીને બેઠા છે કે છ કાયની દયા પાળવી એ ધર્મ તો એવી આ વાત નથી. પરની દયા તો કોઈ પાળી શકતું નથી. અહીં તો સર્વજ્ઞદેવનું ફરમાન છે કે તારી દયા તું પાળ. એટલે કે જેવડો તું છે, જેવો તું છે, તેવડો અને તેવો તું તને માન. ત્યારે તે તારી દયા પાળી કહેવાય. અને જેવડો જેમ છે તેમ પોતાને ન માનતાં બીજી રીતે માનીશ તો તારી તે હિંસા જ કરી છે.
નિર્મળ પર્યાય બહિર્તત્વ છે, એ અંત:તત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com