________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૦૫
કોઈ જીવ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈ સમ્યગ્દષ્ટિ થાય છે તેથી પર્યાયમાં તેને સુખ પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય આત્મા પોતે સુખનિધાન છે. પર્યાયની દષ્ટિ છોડી જ્યાં દ્રવ્યની દૃષ્ટિ કરી કે સુખ પ્રગટ થાય છે. આ રીતે દુ:ખ મટે છે તેથી શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. સમ્યગ્દર્શન પામ્યા પછી શુદ્ધનયનો આશ્રય પામી વિશેષ-વિશેષ અંતરમાં લીન થતાં ચારિત્ર પ્રગટે છે ત્યાં વિશેષ-વિશેષ સુખ થાય છે. શુદ્ઘનયનો આશ્રય સંપૂર્ણ થતાં સંપૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ માર્ગ છે.
અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફુલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. જેમ આકાશમાં ફૂલ નથી તેમ જીવની અવસ્થામાં અશુદ્ધતા છે જ નહીં એમ નથી. મુખ્યગૌણ કરીને સત્યાર્થ-અસત્યાર્થની વ્યાખ્યા કરી છે. મુખ્યને સત્ય કહી ગૌણને અસત્ય કહેલ છે. પણ પર્યાયમાં અશુદ્ધતા નથી એવું નથી. અશુદ્ધતા પર્યાયધર્મનું સત્ત્વ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય સત્ છે, માટે અશુદ્ધતા સર્વથા અસત્યાર્થ ન સમજવી. એમ સર્વથા એકાંત સમજતાં મિથ્યાત્વ રહે છે. સ્વભાવદષ્ટિની મુખ્યતામાં વિકારને અસત્યાર્થ કહ્યો, તે પર્યાયને જોતાં સત્યાર્થ છે. પર્યાયમાં જો વિકાર નથી તો દુ:ખ નથી, સંસાર નથી. તો પછી તે ટાળવાનો ઉપાય પણ કેમ હોય ? માટે પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણવું, સર્વથા એકાંત ન માનવું.
માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. તેથી રત્નત્રયધર્મ પ્રગટ થાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે પોતાની જ ભૂલથી છે. રાગપણે પરિણમે તે પોતાનો પર્યાયધર્મ છે. ધર્મ એટલે મોક્ષમાર્ગરૂપ ધર્મ એની અહીં વાત નથી, અશુદ્ધતા પોતાની પર્યાયે ધારી રાખેલ છે તેથી તે પર્યાયધર્મ છે એમ કહ્યું છે. આમ સ્યાદ્વાદનું શરણ લઈ એટલે જ્યાં જેવી અપેક્ષા છે તેનું યથાર્થ જ્ઞાન કરી શુદ્ઘનયનું આલંબન કરવું. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. એટલે જ્યાં પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પ્રગટ થઈ ગયું, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયાં ત્યાં શુદ્ઘનયનું આલંબન પૂરું થઈ ગયું. પછી આલંબન કરવાનું પ્રયોજન રહ્યું નહીં, આલંબન પણ રહ્યું નહીં. જે વસ્તુસ્વરૂપ છે તે છે-એ પ્રમાણદૃષ્ટિ છે. દ્રવ્યનો સંપૂર્ણ આશ્રય લઈને કેવળજ્ઞાન થયું ત્યાં આત્માનું પ્રમાણજ્ઞાન થઈ ગયું. પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત ’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com