________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૮ નવ્વાણુંમું પર્વ
પદ્મપુરાણ હે માતા! તમારા વિના અયોધ્યાની શોભા કેવી? આ પ્રમાણે વિલાપ કરતાં લક્ષ્મણ રામને કહે છે-હું દેવ! આખું નગર વીણા, બંસરી, મૃદંગાદિના ધ્વનિ વિનાનું થયું છે, અહર્નિશ રુદનના ધ્વનિથી પૂર્ણ છે. ગલીએ ગલી, નદીના તટ પર, ચોકમાં, પ્રત્યેક હાટમાં, ઘરે ઘરે બધા લોકો રુવે છે, તેના અશુપાતની ધારાથી કીચડ થઈ ગયો છે, જાણે અયોધ્યામાં ફરીથી વર્ષાકાળ આવ્યો છે. બધા માણસો આંસુ વહાવતાં ગદગદ કષ્ટમય ભાષા બોલતાં જાનકી પરોક્ષ હોવા છતાં એકાગ્રચિત્ત થઈને તેના ગુણકીર્તનરૂપ પુષ્પોથી તેને પૂજે છે. સીતા પતિવ્રતા, સમસ્ત સતીઓની મોખરે છે, ગુણોની ઉજ્જવળ તેના આવવાની બધાને અભિલાષા છે, બધા લોકો જેમ માતા પુત્રનું પાલન કરે તેમ સીતામાતાને પાળે છે. બધા તેમના ગુણોને યાદ કરીને રુદન કરે છે. જાનકીનો શોક ના હોય એવો કોણ હોય? માટે હે પ્રભો ! તમે બધી વાતમાં પ્રવીણ છો. હવે પશ્ચાત્તાપ છોડો. પશ્ચાત્તાપથી કાર્યની સિદ્ધિ થવાની નથી. જો આપનું ચિત્ત પ્રસન્ન હોય તો સીતાને શોધીને બોલાવી લેશું, અને તેમને પુણ્યના પ્રભાવથી કોઈ વિઘ્ન નહિ હોય. આપે ધૈર્ય રાખવું યોગ્ય છે. આ વચનોથી રામચંદ્ર પ્રસન્ન થયા, કાંઈક શોક તજીને કર્તવ્યમાં મન જોડયું. ભદ્રકળશ ભંડારીને બોલાવીને કહ્યું કે તમે સીતાની આજ્ઞાથી કિમિચ્છા દાન આપતા હુતા તેવી જ રીતે આપ્યા કરો. સીતાના નામથી દાન આપો. ભંડારીએ કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તેમ થશે. નવ મહિના સુધી યાચકોને કિમિચ્છા દાન વહેંચ્યા કરો એવી શ્રી રામે આજ્ઞા કરી. રામને આઠ હજાર સ્ત્રીઓ છે, તેમનાથી સેવાતા હોવા છતાં સીતાના ગુણોથી જેમનું મન મોહ્યું છે તે એક ક્ષણમાત્ર પણ મનથી સીતાને વિસારતા નથી. તેમના મુખમાંથી સદા સીતા સીતા એવા ઉદ્દગાર નીકળ્યા કરે છે, તેમને સર્વ દિશા સીતામય દેખાય છે, સ્વપ્નમાં પણ તેમને જાણે સીતા પર્વતની ગુફામાં પડી છે, ધરતીની ધૂળથી ખરડાયેલી છે, અથુપાતથી ચોમાસું કરી નાખ્યું છે, આવાં જ દશ્ય દેખાય છે. રામ ચિંતવન કરે છે - જુઓ, સુંદર ચેષ્ટાવાળી સીતા દૂર દેશાંતરમાં છે તો પણ મારા ચિત્તથી દૂર થતી નથી. તે માધવી શીલવતી મારા હિતમાં સદા ઉદ્યમી છે. લક્ષ્મણના ઉપદેશથી અને સૂત્ર સિદ્ધાંતના શ્રવણથી રામનો શોક થોડોક ઓછો થયો, ધૈર્ય રાખીને તે ધર્મધ્યાનમાં તત્પર થયા. બન્ને ભાઈ ખૂબ ન્યાયી, અખંડ પ્રીતિના ધારક, પ્રશંસાયોગ્ય ગુણોના સમુદ્ર, સમુદ્ર પર્વતની પૃથ્વીનું સારી રીતે પાલન કરતા થકા સૌધર્મ-ઈશાન ઇન્દ્ર જેવા શોભતા હતા. બન્ને ધીરવીર સ્વર્ગ સમાન અયોધ્યામાં દેવો સમાન ઋદ્ધિ ભોગવતા રાજ્ય કરતા હતા. સુકૃતના ઉદયથી સકળ પ્રાણીઓને જેમનાં સુંદર ચરિત્ર આનંદ આપે છે, તે સુખસાગરમાં મગ્ન, સૂર્ય સમાન તેજસ્વી પૃથ્વી પર પ્રકાશતા હતા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાના ત્યાગ પછી થયેલ શોકનું વર્ણન કરનાર નવ્વાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com