________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ - છન્નું પર્વ
૫૪૧ તપ એ અશુભનો નાશક છે. દાનધર્મ વિપ્ન અને વેરનો નાશક છે, પુણ્ય અને યશનું મૂળ કારણ છે. આમ વિચારીને ભદ્રકળશ નામના ભંડારીને બોલાવીને કહ્યું કે મારી પ્રસૂતિ થાય ત્યાં સુધી કિમિચ્છક દાન નિરંતર આપતા રહો. ભદ્રકળશે જવાબ આપ્યો કે આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. ભંડારી ગયો અને એ જિનપૂજાદિ શુભ ક્રિયામાં પ્રવર્તી. ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો હતાં તેમાં નાના પ્રકારના ઉપકરણો ચડાવ્યાં અને બધાં ચૈત્યાલયોમાં અનેક પ્રકારના વાજિંત્રો વગડાવ્યાં. ભગવાનનાં ચરિત્ર, પુરાણાદિ ગ્રંથો જિનમંદિરમાં પધરાવ્યાં. દૂધ, દહીં, ઘી, જળ, મિષ્ટાન્નથી ભરેલા કળશ અભિષેક માટે મોકલાવ્યા. મુખ્ય કંચુકી વસ્ત્રાભૂષણ પહેરી હાથી ઉપર બેસી નગરમાં ઘોષણા ફેરવે છે કે જેને જે જોઈએ તે રાજમહેલમાંથી લઈ જાય. લોકો પૂજા, દાન, તપ આદિમાં પ્રવર્યા, પાપબુદ્ધિરહિત થઈ સમાધાન પામ્યા. સીતા ધર્મમાં અનુરક્ત થઈ. શ્રી રામચંદ્ર મંડપમાં આવીને બેઠા. નગરમાંથી જે લોકો આવ્યા હતા તેમના દ્વારપાળે રામ સાથે મેળાપ કરાવ્યો. સ્વર્ણરત્નથી નિર્માયિત અદ્દભુત સભા જોઈ પ્રજાજનો ચક્તિ થઈ ગયા. હૃદયને આનંદ આપનાર રામનાં નેત્રો તેમને જોઈને પ્રસન્ન થયા. પ્રજાના માણસો હાથ જોડી નમસ્કાર કરતા આવ્યા, તેમનાં શરીર ધ્રૂજતાં હતાં અને મન ભયભીત હતાં. રામે પૂછયું કે હું નગરજનો! તમારા આગમનનું કારણ શું છે? ત્યારે વિજય, સુરાદિ, મધુમાન, વસુલો, ધર, કશ્યપ, પિંગળ, કાળ, ક્ષેમ ઈત્યાદિ નગરના અગ્રણીઓ નિશ્ચળ થઈ ચરણો તરફ જોવા લાગ્યા. જેમનો ગર્વ ગળી ગયો છે, રાજતેજના પ્રતાપથી કાંઈ કહી ન શક્યા. તો પણ લાંબો સમય વિચારીને બોલવા ઈચ્છતા તો પણ તેમનાં મુખમાંથી શબ્દ ન નીકળી શક્યા. ત્યારે રામે દિલાસો આપીને કહ્યું કે તમે શા માટે આવ્યા છો તે કહો. તો પણ તે ચિત્ર જેવા થઈ ગયા, કાંઈ બોલી ન શક્યા. લજ્જાથી જેમનું ગળું રુંધાઈ ગયું હતું, આંખો ચકળવકળ થતી હતી. છેવટે તેમાંના વિજય નામના એક મુખ્ય પુરુષે કહ્યું કે હું દેવ! અભયદાનની કૃપા કરો. રામે કહ્યું કે તમે કોઈ બાબતની બીક ન રાખો, તમારા મનમાં જે હોય તે કહો, તમારું દુઃખ દૂર કરી તમને હું શાતા ઉપજાવીશ, તમારા અવગુણ નહિ જોઉં, ગુણનું જ ગ્રહણ કરીશ, જેમ મળેલા દૂધજળમાંથી હંસ જળને છોડી દૂધ જ પીએ છે. શ્રી રામે અભયદાન દીધું તો પણ અતિ કષ્ટથી વિચારી વિચારીને ધીરે સ્વરે વિજયે હાથ જોડી, શિર નમાવી કહ્યું હે નાથ ! નરોત્તમ! એક વિનંતી સાંભળો. અત્યારે બધા લોકો મર્યાદા જાળવતા નથી. એ બધા સ્વભાવથી જ કુટિલ છે અને પ્રગટ એકાદ દિષ્ટાંત જુએ પછી એમને અકાર્ય કરવામાં ભય શેનો રહે? જેમ વાનર સ્વભાવથી જ ચંચળ હોય છે અને અતિચપળ એવા યંત્રપિંજરા પર ચડ્યો હોય પછી કહેવાનું જ શું રહે? નિર્બળોની યુવાન સ્ત્રીઓને બળવાન પાપીઓ નબળાઈ જતાં જ બળાત્કારે હરી જાય છે અને કેટલીક શીલવતી સ્ત્રીઓ વિરહથી બીજાના ઘરમાં અત્યંત દુઃખી થાય છે તેમને કેટલાક મદદ મેળવીને પોતાને ઘેર લઈ આવે છે તેથી ધર્મની મર્યાદા લોપાય છે. એનો લોપ ન થાય તેવો પ્રયત્ન કરો, પ્રજાના હિતની વાંછા કરો, જે પ્રમાણે પ્રજાનું દુઃખ ટળે તેમ કરો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com