________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તોતેરમું પર્વ
૪૬૭ બીજાઓને નિર્બળ જાણતા તે અર્કકીર્તિ, અશનઘોષાદિ અનેક નાશ પામ્યા છે. હે સુમુખ! તમે શું તે સાંભળ્યું નથી! મંદોદરીનાં આ વચન સાંભળી કમળનયન રાવણે મલયાગિરિ ચંદનના લેપવાળી મંદોદરીને કહ્યું, હે કાંતે! તું કેમ કાયર થઈ છે? હું જયકુમારથી હારનાર અર્કકીર્તિ નથી અને અમિતતેજથી હારનાર અશનઘોષ નથી અને બીજો પણ નથી. હું દશમુખ છું, તું શા માટે કાયરતાની વાત કરે છે? હું શત્રુરૂપ વૃક્ષોનો દાવાનળ છું, સીતા કદાપિ નહિ દઉં. હું મંદબુદ્ધિ! તું ભય ન રાખ. આ વાત કહીને તારે શું છે? તને સીતાની રક્ષા સોંપી છે તે રક્ષા સારી રીતે કર. અને જો રક્ષા કરવાને સમર્થ ન હો તો શીઘ્ર મને સોંપી દે. ત્યારે મંદોદરી બોલી કે તમે તેની પાસેથી રતિસુખ ઇચ્છો છો તેથી એમ કહો છો કે મને સોંપી દે. તો આ નિર્લજ્જતાની વાત કુળવાનોને યોગ્ય નથી. તમે સીતામાં શું માહાસ્ય જોયું કે તેને વારંવાર વાંછો છો? તે એવી ગુણવંતી નથી, જ્ઞાતા નથી, રૂપવાનોનું તિલક નથી, કળામાં પ્રવીણ નથી, મનમોહન નથી, પતિના છંદ પર ચાલનારી નથી, તેની સાથે રતિની બુદ્ધિ કરો છો. તો હું કાંત! આ શી વાત છે? તમારી લઘુતા થાય છે તે તમે જાણતા નથી. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના મુખે પોતાના ગુણો કહેવાથી ગુણોની ગૌણતા થાય છે અને બીજાના મોઢે સાંભળવાથી પ્રશંસા થાય છે તેથી હું શું કહું? તમે બધું સારી રીતે જાણો છો. વિચારો, સીતા શું છે? લક્ષ્મી પણ મારા તુલ્ય નથી, માટે સીતાની અભિલાષા છોડો, મારો અનાદર કરીને તમે ભૂમિગોચરી સ્ત્રીને ઇચ્છો છો તેથી મંદમતિ છો, જેમ બાળકબુદ્ધિ હોય તે વૈડૂર્યમણિને તજીને કાચને ઇચ્છે છે. તેનું કાંઈ દિવ્યરૂપ નથી, તમારા મનમાં કેમ રુચી છે? એ ગ્રામ્યજનની સ્ત્રી સમાન અલ્પમતિ છે, તેની શી અભિલાષા? અને મને આજ્ઞા કરો તેવું રૂપ હું ધારણ કરું, તમારું ચિત્ત હરનારી હું લક્ષ્મીનું રૂપ ધરું. અને આજ્ઞા કરો તો શચિ ઇન્દ્રાણીનું રૂપ ધરું, કહો તો રતિનું રૂપ ધરું, હે દેવ! તમે ઇચ્છા કરો તે રૂપ હું ધરું. મંદોદરીની આ વાત સાંભળીને રાવણે મુખ નીચું કર્યું. તે લજ્જા પામ્યો. વળી મંદોદરીએ કહ્યું, તમે પરસ્ત્રીમાં આસક્ત થઈને તમારા આત્માની લઘુતા કરી છે. જેને વિષયરૂપ આમિષની આસક્તિ છે તે પાપનું ભાજન છે, ધિક્કાર છે એવી શુદ્ર ચેષ્ટાને!
આ વચન સાંભળી રાવણે મંદોદરીને કહ્યું કે હે ચંદ્રવદની ! કમળલોચને! તે એમ કહ્યું કે જે કહો તેવું રૂપ ધારણ કરું. તો બીજાના રૂપ કરતાં તારું રૂપ ક્યાં ઊતરતું છે? તારું પોતાનું રૂપ જ મને અતિપ્રિય છે. હું ઉત્તમ ! મારે અન્ય સ્ત્રીઓથી શું? ત્યારે ચિત્તમાં હર્ષ પામી તે બોલી, હે દેવ! સૂર્યને દીપકનો પ્રકાશ શું બતાવવો? મેં આપને જે હિતનાં વચનો કહ્યાં તે બીજાને પૂછી જુઓ, હું સ્ત્રી છું, મારામાં એવી બુદ્ધિ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વામી બધા જ નય જાણે છે. પરંતુ દૈવયોગથી પ્રમાદરૂપ થયા હોય તો જે હિતેચ્છક હોય તે સમજાવે જેમ વિષ્ણુકુમાર મુનિને વિક્રિયાઋદ્ધિનું વિસ્મરણ થયું તો બીજાના કહેવાથી જાણ્યું. આ પુરુષ અને આ સ્ત્રી, એવો વિકલ્પ મંદબુદ્ધિવાળાને હોય છે, જે બુદ્ધિમાન છે તે હિતકારી વચન બધાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com