________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ
૧૯ ત્યારપછી સંધ્યાના સમયે સૂર્ય અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો, અસ્તાચળ નજીક આવ્યો, અત્યંત લાલ બની ગયો, કિરણો મંદ થવા લાગ્યાં. જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે કિરણ મંદ થાય જ એ ઉચિત છે. જેમ પોતાના સ્વામી આપત્તિમાં આવે ત્યારે કોના તેજની વૃદ્ધિ રહે? ચકવીનાં આંસુ ભરેલાં નેત્રો જોઈને જાણે કે દયાથી સૂર્ય અસ્ત થયો. ભગવાનના સમોસરણમાં તો સદા પ્રકાશ જ રહે છે, ત્યાં રાત્રી દિવસનો વિચાર નથી હોતો. પૃથ્વી ઉપર રાત્રી ઉતરી ત્યારે સંધ્યાસમયે જે દિશા લાલ થઈ હતી તે જાણે કે ધર્મશ્રવણથી પ્રાણીઓના ચિત્તમાંથી જે રાગ નષ્ટ થયો હતો તે સંધ્યાના બહાને દશે દિશામાં પ્રવેશી ગયો.
ભાવાર્થ:- રાગનું સ્વરૂપ પણ લાલ હોય છે અને દિશાઓમાં પણ લાલાશ થઈ અને સૂર્ય અસ્ત થવાથી લોકોનાં નેત્ર દર્શનરહિત થયાં, કેમ કે સૂર્યના ઉદયથી જે દેખવાની શક્તિ પ્રગટી હતી તે સૂર્યાસ્તથી ચાલી ગઈ. કમળ બિડાઈ ગયાં. જેમ મહાન રાજાઓનો અસ્ત થતાં ચોરાદિક દુર્જનો જગતમાં ચોરી વગેરેની કુચેષ્ટા કરે છે, તેમ સૂર્યનો અસ્ત થતાં પૃથ્વી પર અંધકાર ફેલાઈ ગયો. રાત્રિના સમયે દરેક ઘરમાં ચંપાની કળી સમાન દીવાઓનો પ્રકાશ થયો તે દીવાઓ જાણે કે રાત્રિરૂપ સ્ત્રીનાં આભૂષણ જ હતાં. કમળના રસથી તૃપ્ત થઈ રાજહંસ સૂઈ જવા લાગ્યા. રાત્રિનો શીતળ, મંદ, સુગંધી પવન રાત્રિનો શ્વાસ ચાલી રહ્યો હોય તેવો લાગતો હતો. ભમરાઓ કમળોમાં વિશ્રામ કરવા લાગ્યા અને જાણે ભગવાનનાં વચનોથી ત્રણ લોકનાં પ્રાણી ધર્મનું સાધન કરી શોભે તેમ મનોજ્ઞ તારાઓથી આકાશ શોભવા લાગ્યું. જેમ જિનેન્દ્રના ઉપદેશથી એકાંતવાદીઓના સંશય નાશ પામે તેમ ચન્દ્રના કિરણોથી અંધકાર દૂર થયો. લોકોનાં નેત્રોને આનંદ આપનાર ચંદ્રના ઉદય સમયે તે કંપવા લાગ્યો, જાણે કે અંધકાર ઉપર તે અત્યંત કોપાયમાન થયો હોય!
ભાવાર્થ:- ક્રોધના સમયે પ્રાણી ધ્રુજવા લાગે છે, અંધકારથી જે લોકો ખેદ પામ્યા હુતા તે ચંદ્રના ઉદયથી હર્ષ પામ્યા અને ચંદ્રનાં કિરણોના સ્પર્શથી કુમુદ પ્રફુલ્લિત થયા. આ પ્રમાણે રાત્રિનો સમય લોકોને વિશ્રામ આપનાર થયો. રાજા શ્રેણિકને સંધ્યા સમયે સામાયિક પાઠ અને જિનેન્દ્રની કથા કરતાં કરતાં ઘણી રાત્રિ વીતી પછી તે સુવા માટે ગયાં. કેવો છે રાત્રિનો સમય ? જેમાં સ્ત્રી-પુરુષોનાં હિતની વૃદ્ધિ થાય છે. રાજાના શયનનો મહેલ ગંગાના કિનારા જેવો ઉજ્જવળ છે અને રત્નોની જ્યોતિથી અતિ ઉધોતરૂપ છે, ઝરૂખાઓમાંથી ત્યાં ફૂલોની સુગંધ આવે છે. મહેલની સમીપે સુન્દર સ્ત્રીઓ મનોહર ગીતો ગાઈ રહી છે, મહેલની ચારે તરફ સાવધાન સામંતોની ચોકી છે, અતિ શોભા બની રહી છે, શય્યા ઉપર અત્યંત કોમળ ગાદીઓ બિછાવેલી છે. તે રાજા ભગવાનના પવિત્ર ચરણ પોતાના મસ્તક પર ધારણ કરે છે. તે સ્વપ્નમાં પણ વારંવાર ભગવાનનાં જ દર્શન કરે છે અને સ્વપ્નમાં ગણધરદેવને પ્રશ્ન કરે છે. આ પ્રમાણે સુખપૂર્વક રાત્રિ પૂર્ણ થઈ. પછી વાદળાનાં ધ્વનિ સમાન પ્રાતઃકાળના વાજિંત્રો વાગવા લાગ્યા. તેના અવાજથી રાજા નિદ્રારહિત થયા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com