________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પિસ્તાળીસમું પર્વ
૩૬૯ ભોગવવું, અમારા કે તમારાથી મટાડયાથી મટે નહિ. અમે કુટુંબથી છૂટયા, વનમાં આવ્યા તો પણ કર્મશત્રુને દયા ન આવી તેથી અમે જાણીએ છીએ કે અમારે અશાતાનો ઉદય છે. સીતા પણ ગઈ એના જેવું બીજું દુઃખ થયું હોય? આમ બોલીને રામ રોવા લાગ્યા. મહાધીર નરોના અધિપતિ તે હતા. ત્યારે ધૈર્ય આપવામાં પંડિત વિરાધિત નમસ્કાર કરી, હાથ જોડી કહેવા લાગ્યો કે હે દેવ! આપ આટલો વિષાદ શા માટે કરો છો? થોડા જ દિવસોમાં આપ જનકસુતાને જોશો. હે પ્રભો! આ શોક મહાશત્રુ છે, શરીરનો નાશ કરે તો બીજી વસ્તુની તો શી વાત? માટે આપ ધૈર્ય અંગીકાર કરો. આ વૈર્ય જ મહાપુરુષોનું સર્વસ્વ છે, આપ સરખા પુરુષો તો વિવેકના નિવાસ સ્થાન છે. ધૈર્યવંત પ્રાણી અનેક કલ્યાણ દેખે છે અને આતુરજનો અત્યંત કષ્ટ કરે તોપણ ઇષ્ટ વસ્તુને દેખતા નથી. આ સમય વિષાદનો નથી, આપ મન દઈને સાંભળો. વિદ્યાધરોના મહારાજા ખરદૂષણને માર્યો છે તો હવે એનું પરિણામ મહાવિષમ છે. કિધુકંધાપુરનો ઘણી સુગ્રીવ, ઇન્દ્રજિત, કુંભકર્ણ, ત્રિશિર, અક્ષોભ ભીમ, કૂરકર્મા મહોદર આદિ અનેક મહાબળવાન વિધાધર યોદ્ધા એના પરમમિત્ર છે, તે ખરદૂષણના મરણના દુઃખથી ગુસ્સે થયા હશે. એ બધા જાતજાતનાં યુદ્ધમાં પ્રવીણ છે, હજારો જગ્યાએ યુદ્ધમાં કીર્તિ મેળવી ચૂક્યા છે અને વૈતાડય પર્વતના અનેક વિધાધરો ખરદૂષણના મિત્રો છે અને પવનંજયનો પુત્ર હનુમાન જેને જોતાં સુભટ દૂરથી જ ડરે છે, તેની સામે દેવ પણ આવતા નથી તે ખરદૂષણનો જમાઈ છે તેથી તે પણ એના મરણનો રોષ કરશે. માટે અહીં વનમાં ન રહેશો. પાતાળલંકામાં અલંકારોદય નગરમાં આવીને બિરાજો અને ભામંડળને સીતાના સમાચાર મોકલો. તે નગર અતિદુર્ગમ છે, ત્યાં સ્થિર થઈ કાર્યનો ઉપાય સર્વથા કરીશું. આ પ્રમાણે વિરાધિને વિનંતી કરી. પછી બન્ને ભાઈ ચાર ઘોડાના રથ પર ચડીને પાતાળલંકા ચાલ્યા. બન્ને પુરુષોત્તમ સીતા વિના શોભતા નહોતા, જેમ સમ્યગ્દષ્ટિ વિના જ્ઞાન-ચારિત્ર શોભતાં નથી. ચતુરંગ સેનારૂપ સાગરથી મંડિત દંડકવનમાંથી ચાલ્યા. વિરાધિત આગળ ગયો. ત્યાં ચંદ્રનખાનો પુત્ર સુંદર લડવા માટે નગરની બહાર નીકળ્યો. તેણે યુદ્ધ કર્યું, તેને જીતીને નગરમાં પ્રવેશ કર્યો. દેવોના નગર સમાન તે નગર રત્નમય હતું. ત્યાં ખરદૂષણના મહેલમાં બિરાજ્યા. સુરમંદિર જેવા મહામનોહર મહેલમાં સીતા વિના તેમને માત્ર વિશ્રામ ન મળ્યો. રામનું મન સીતામાં જ હતું તેથી પ્રિયાની સમીપમાં રામને વન પણ મનોજ્ઞ ભાસતું, અત્યારે કાન્તાના વિયોગથી દગ્ધ રામને નગર અને મહેલ વિંધ્યાચળ વન જેવા લાગ્યા.
પછી ખરદૂષણના મહેલમાં જિનમંદિર જોઈને રઘુનાથે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં અરહંતની પ્રતિમા જોઈને રત્નમયી પુષ્પોથી પૂજા કરી, ક્ષણભર સીતાનો સંતાપ ભૂલી ગયા. જ્યાં જ્યાં ભગવાનના ચૈત્યાલય હતાં ત્યાં ત્યાં દર્શન કર્યા. જેમના દુઃખની લહેર શાંત થઈ છે એવા રામચંદ્ર પરદૂષણના મહેલમાં રહે છે. સુંદર પોતાની માતા ચંદ્રનના સહિત પિતા અને ભાઈના શોકથી અત્યંત શોક સહિત લંકા ગયો. આ પરિગ્રહ વિનાશી છે અને મહાદુઃખનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com