________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
એકતાળીસમું પર્વ
૩૪૭
ભક્તિનો અનુરાગી થયો અને કોઈને ઉપદ્રવ કરતો નહિ. જ્યારે રાણીએ દંડીઓના મુખે આ વૃત્તાંત સાંભળ્યો કે રાજા જિનધર્મનો અનુરાગી થયો છે ત્યારે આ પાપણીએ ક્રોધ કરીને મુનિઓને મારવાનો ઉપાય કર્યો. જે દુષ્ટ જીવ હોય છે તે પોતાના જીવનનો પ્રયત્ન છોડીને પણ બીજાનું અહિત કરતા હોય છે. તે પાપિણીએ પોતાના ગુરુને કહ્યું કે તમે નિગ્રંથ મુનિનું રૂપ લઈને મારા મહેલમાં આવો અને વિકારચેષ્ટા કરો. ત્યારે એણે એ પ્રમાણે કર્યું. રાજા આ વૃત્તાંત જાણીને મુનિઓ ઉપર ગુસ્સે થયો. તેના મંત્રી વગેરે દુષ્ટ મિથ્યાદષ્ટિ સદા મુનિઓની નિંદા જ કરતા. બીજા પણ ક્રૂર કર્મ કરનારા મુનિઓના વિરોધી હતા. તેમણે રાજાને ભરમાવ્યો. તેથી પાપી રાજાએ મુનિઓને ઘાણીમાં પીલવાની આજ્ઞા કરી અને આચાર્ય સહિત બધા મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા. એક મુનિ બહાર ગયા હતા અને પાછા આવતા હતા તેમને કોઈ દયાળુ વ્યક્તિએ કહ્યું કે પાપી રાજાએ અનેક મુનિઓને યંત્રમાં પીલી નાખ્યા છે, તમે ભાગી જાવ, તમારું શરીર ધર્મનું સાધન છે માટે તમારા શરીરની રક્ષા કરો. પછી આ સમાચાર સાંભળીને, મુનિસંઘના મરણના શોકથી જેમને દુઃખરૂપી શિલાનો આઘાત લાગ્યો છે એવા એ મુનિ થોડીવા૨ વજ્રના સ્તંભ સમાન નિશ્ચળ થઈ ગયા. પછી અસહ્ય દુઃખથી કલેશ પામ્યા. પછી તે મુનિરૂપ પર્વતની સમભાવરૂપ ગુફામાંથી ક્રોધરૂપ કેસરી સિંહ નીકળ્યો, લાલ અશોકવૃક્ષ હોય તેમ મુનિનાં નેત્ર લાલ થયાં જાણે સંધ્યાના રંગ સમાન થઈ ગયાં, તપ્તાયમાન મુનિના આખા શરીરમાંથી ૫૨સેવાના બુંદ ફૂટી નીકળ્યાં. પછી કાળાગ્નિ સમાન પ્રજ્વલિત અગ્નિનું પૂતળું નીકળ્યું, ધરતી અને આકાશ અગ્નિરૂપ થઈ ગયાં, લોકો હાહાકાર કરતા મરણ પામ્યા. જેમ વાંસનું વન સળગે તેમ દેશ આખો ભસ્મ થઈ ગયો. ન રાજા બચ્યો, ન અંતઃપુર, ન પુર, ન ગ્રામ, ન પર્વત, ન નદી, ન વન, ન કોઈ પ્રાણી; કાંઈ પણ દેશમાં બચ્યું નહિ. મહાન જ્ઞાનવૈરાગ્યના યોગથી ઘણા વખત પછી મુનિએ સમભાવરૂપ જે ધન ઊપાર્યું હતું તે તત્કાળ ક્રોધરૂપ રિપુએ હરી લીધું. દંડક દેશનો દંડક રાજા પાપના પ્રભાવથી નાશ પામ્યો અને દેશ પણ નાશ પામ્યો. હવે એ દંડક વન કહેવાય છે. કેટલાક દિવસ તો અહીં ઘાસ પણ ન ઉપજ્યું ઘણા કાળ પછી અહીં મુનિઓનો વિહાર થયો તેના પ્રભાવથી વૃક્ષાદિક થયા. આ વન દેવોને પણ ભય ઉપજાવે તેવું છે, વિધાધરોની તો વાત જ શી કરવી ? સિંહ, વાઘ, અષ્ટપદાદિ અનેક જીવોથી ભરેલું અને જાતજાતનાં પક્ષીઓના અવાજથી ગુંજતું અને અનેક પ્રકારનાં ધાન્યથી પૂર્ણ છે. તે રાજા દંડક પ્રબળ શક્તિવાળો હતો તે અપરાધથી નરક, તિર્યંચ ગતિમાં ઘણો વખત ભટકીને આ ગીધ પક્ષી થયો. હવે એના પાપકર્મની નિવૃત્તિ થઇ. અમને જોઈને તેને પૂર્વભવનું સ્મરણ થયું. આમ જાણી સંસાર, શ૨ી૨, ભોગથી વિરક્ત થઇ ધર્મમાં સાવધાન થવું. બીજા જીવોનું જે દષ્ટાંત છે તે પોતાને શાંત ભાવની ઉત્પત્તિનું કારણ છે. આ પક્ષીને પોતાના પૂર્વભવની વિપરીત ચેષ્ટા યાદ આવી છે તેથી કંપે છે. પક્ષી ૫૨ દયા લાવીને મુનિ કહેવા લાગ્યા હૈ ભવ્ય! હવે તું ભય ન કર. જે સમયે જે થવાનું હોય તે થાય છે, રુદન શા માટે કરે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com