________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
બત્રીસમું પર્વ
૨૯૩
તે ગુણસમુદ્રોની આ બન્ને માતાઓ નિરંતર રુદન કરે છે તે મરણ પામશે. માટે તું શીઘ્રગામી અશ્વ ૫૨ બેસી તરત જા અને તેમને લઈ આવ. તેમની સાથે ખૂબ સુખપૂર્વક ચિરકાળ રાજ્ય કર અને હું પણ તારી પાછળ જ તેમની પાસે આવું છું. ભરતે માતાની આજ્ઞા સાંભળી ખૂબ પ્રસન્ન થઈ, તેની પ્રશંસા કરી. અત્યંત આતુર ભરત હજાર અશ્વ સાથે રામની પાસે ચાલ્યા. જે રામની પાસેથી પાછા આવ્યા હતા તેમને સાથે લઈને નીકળ્યા. પોતે ઝડતી અશ્વ ૫૨ બેસી, ઉતાવળી ચાલે વનમાં આવ્યા. તે અસરાલ નદી વહેતી હતી તેમાં વૃક્ષોના થડ, તરાપા બાંધી ક્ષણમાત્રમાં સેનાસહિત પાર ઉતર્યા. માર્ગમાં સ્ત્રી-પુરુષોને પૂછતા જતા કે તમે રામ-લક્ષ્મણને ક્યાંય જોયા? તેઓ કહે છે કે અહીંથી નજીક છે. ભરત એકાગ્રચિત્ત થઈને ચાલ્યા જાય છે. સઘન વનમાં એક સરોવરના કિનારે બેય ભાઈને સીતા સાથે બેઠેલા જોયા. તેમનાં ધનુષબાણ સમીપમાં પડયાં હતાં. સીતાની સાથે તે બન્ને ભાઈને અહીં આવતાં ઘણા દિવસ થયા હતા અને ભરત છ દિવસમાં આવી ગયા. રામને દૂરથી જોઈને ભરત અશ્વ પરથી નીચે ઉતરી, પગપાળા જઈ, રામના પગ પર મૂર્છિત થઈ ગયા. રામે તેમને સચેત કર્યા. ભરત હાથ જોડી, મસ્તક નમાવી, રામને વિનંતી કરવા લાગ્યા.
હે નાથ! રાજ્ય આપીને મારી કેવી વિડંબણા કરી? તમે સર્વ ન્યાયમાર્ગના જાણના૨, મહાપ્રવીણ, મને આ રાજ્યનું શું પ્રયોજન છે? તમે ઉત્તમ ચેષ્ટાના ધારક, મારા પ્રાણના આધાર છો. ઊઠો, આપણા નગરમાં જઈએ. હે પ્રભો! મારા ઉપર કૃપા કરો. રાજ્ય તમે કરો. રાજ્યને યોગ્ય તમે જ છો, મને સુખની અવસ્થા આપો. હું તમારા શિર ઉપ૨ છત્ર ધરીને ઊભો રહીશ અને શત્રુઘ્ન ચામર ઢોળશે, લક્ષ્મણ મંત્રીપદ કરશે. મારી માતા પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે, તમારી અને લક્ષ્મણની માતા અત્યંત શોક કરે છે. જે વખતે ભરત આમ કહી રહ્યો હતો તે જ સમયે શીઘ્ર ૨થ ઉપર ચડી, અનેક સામંતો સહિત, મહાશોકથી ભરેલી કૈકેયી આવી અને રામ-લક્ષ્મણને છાતીસરસા ચાંપીને અત્યંત રુદન કરવા લાગી. રામે ધીરજ આપી. ત્યારે કૈકેયીએ કહ્યું કે હે પુત્ર! ઊઠો, અયોધ્યા ચાલો, રાજ્ય કરો, તમારા વિના મારું આખું નગર વન સમાન છે. તમે બુદ્ધિમાન છો, ભરતને શીખવાડો. અમારી સ્ત્રીઓની બુદ્ધિ નાશ પામી છે, મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે રામે કહ્યું: હૈ માતા! તમે તો સર્વ વાતોમાં પ્રવીણ છો, તમે શું નથી જાણતા કે ક્ષત્રિયનો નિયમ છે કે તે વચનભંગ કરતો નથી ? જે કાર્ય વિચાર્યું હોય તેને બીજી રીતે કરતો નથી ? મારા પિતાએ જે વચન કહ્યું છે તે મારે અને તમારે નિભાવવું જોઈએ. આ વાતમાં ભરતની અપકીર્તિ નહિ થાય. પછી ભરતને કહ્યું કે હે ભાઈ! તું ચિંતા ન કર, તું અનાચારથી ડરે છે તો પિતાની આજ્ઞા અને મારી આજ્ઞા પાળવામાં અનાચાર નથી. આમ કહીને વનમાં બધા રાજાઓની સમીપે શ્રી રામે ભરતનો રાજ્યાભિષેક કર્યો અને કૈકેયીને પ્રણામ કરી, બહુ જ સ્તુતિ કરી વારંવાર સંભાષણ કરી ભરતને હૃદય સાથે ચાંપીને ખૂબ દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય કર્યાં. કૈકેયી અને ભરત રામ-લક્ષ્મણ-સીતાની પાસેથી પાછા નગરમાં ગયાં. ભરત રામની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com