________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ
૨૨૭ બની માર્યા જશે, લૂંટાશે અને પ્રજાનો નાશ થતાં ધર્મનો અભાવ થશે. માટે જેમ તમારા પિતા તમને રાજ્ય આપીને મુનિ થયા હતા તેમ તમે પણ તમારા પુત્રને રાજ્ય આપી જિનદીક્ષા લ્યો. આ પ્રમાણે મુખ્ય માણસોએ વિનંતી કરી ત્યારે રાજાએ એવો નિયમ કર્યો કે હું જે દિવસે પુત્રના જન્મના સમાચાર સાંભળીશ તે જ દિવસે મુનિવ્રત લઈશ. આવી પ્રતિજ્ઞા કરીને ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા. તેમણે પ્રજાને શાતા પમાડીને રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન ન થતો. રાજાનું ચિત્ત સમાધાનરૂપ હતું. એક દિવસ રાણી સહદેવી રાજા પાસે શયન કરતી ત્યારે તેને ગર્ભ રહ્યો. તેના ગર્ભમાં કેવો પુત્ર આવ્યો? સંપૂર્ણ ગુણોનું પાત્ર અને પૃથ્વીના પ્રતિપાલનમાં સમર્થ એવા પુત્રનો જન્મ થયો ત્યારે રાણીએ પોતાના પતિ મુનિ થઈ જશે એવા ભયથી પુત્રના જન્મની વાત પ્રગટ ન કરી. કેટલાક દિવસ સુધી વાત છુપાવી રાખી. જેમ સૂર્યના ઉદયને કોઈ છુપાવી ન શકે તેમ રાજપુત્રનો જન્મ છૂપો કેવી રીતે રહી શકે? કોઈ દરિદ્રી મનુષ્ય ધનના લોભથી રાજા પાસે તે વાત પ્રગટ કરી. એટલે રાજાએ મુગટાદિ સર્વ આભૂષણો શરીર ઉપરથી ઉતારીને તેને આપી દીધાં અને ઘોષશાખા નામનું મહારમણીક, ખૂબ ધનની ઉત્પત્તિ થાય તેવું ગામ પણ તેને આપ્યું અને પંદર દિવસનો પુત્ર માતાની ગોદમાં સૂતો હતો તેને તિલક કરી રાજપદ આપ્યું. તેથી અયોધ્યા અતિ રમણીય બની અને અયોધ્યાનું બીજું નામ કૌશલ પણ છે તેથી તેનું નામ સુકૌશલ પ્રસિદ્ધ થયું. તેની ચેષ્ટા સુંદર હતી. રાજા કીર્તિધર સુકૌશલને રાજ્ય આપી ઘરરૂપ બંદીગૃહમાંથી નીકળીને તપોવનમાં ગયા. મુનિવ્રત આદર્યા અને તપથી ઉત્પન્ન થયેલા તેજથી મેઘપટલરહિત સૂર્ય શોભે તેમ શોભવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વજબાહુ અને કીર્તિધર રાજાના માહાભ્યનું વર્ણન કરનાર એકવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
બાવીસમું પર્વ (સુકૌશલની દીક્ષા અને ભયંકર ઉપસર્ગ સહીને ઈષ્ટપ્રાપ્તિ કરવી)
કેટલાંક વર્ષ કીર્તિધર મુનિ, પૃથ્વી સમાન જેમની ક્ષમા હતી, જેમના માન, મત્સર દૂર થયાં છે, જેમનું ચિત્ત ઉદાર હતું, તપથી જેમનાં સર્વ અંગ શોષાયાં છે, આંખો જ જેમના આભૂષણ હતી, જેમના હાથ નીચે લટકતા હતા, ધુંસરી પ્રમાણ ધરતી જોઈને નીચી નજરે ચાલતા હતા, જેમ મત્ત ગજેન્દ્ર મંદ મંદ ગમન કરે તેમ જીવદયાના હેતુથી ધીરે ધીરે તે ગમન કરતા. સર્વ વિકારરહિત, મહાસાવધાન, જ્ઞાની, મહાવિનયવાન, લોભરહિત, પંચાચારના પાળનાર, જીવદયાથી જેમનું ચિત્ત નિર્મળ છે, સ્નેહરૂપ કર્દમથી રહિત, સ્નાનાદિ શરીરસંસ્કારથી રહિત, મુનિપદની શોભાથી મંડિત, આહારના નિમિત્તે ઘણા દિવસોના ઉપવાસ પછી નગરમાં પ્રવેશ્યા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com