________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
.:૮: આનો સામાન્ય અર્થ એવો છે કે લોકમાં સર્વ અરહંતોને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નમસ્કાર હો. સર્વ આચાર્યોને નમસ્કાર હો, સર્વ ઉપાધ્યાયોને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો.
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠી કહેવાય છે. આ મંત્રમાં આ પાંચેય પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે.
માત્ર વચન બોલવાથી તથા શરીર નમાવીને નમસ્કાર કરવા તે વાસ્તવિક નમસ્કાર નથી. પાંચેય પરમેષ્ઠીઓના સ્વરૂપ સમજી, તેમના ગુણોથી પૂર્ણ પરિચિત થવાથી તેમના પ્રત્યે જે ગુણાનુરાગ ઉત્પન્ન થાય છે, તેમના પ્રત્યે જે સર્મપણનો ભાવ ઉત્પન્ન થાય છે તે જ સાચા નમસ્કાર છે.
જે જીવ આ પાંચ પરમેષ્ઠીઓનાં સ્વરૂપને જાણીને ઓળખીને તેઓને નમન કરે છે, સ્મરણ કરે છે, તેઓએ બતાવેલ માર્ગ ઉપર ચાલી તેઓનું અનુકરણ કરે છે, તેઓને સાચું સુખ પ્રાપ્ત થાય છે. અને તેઓ પોતે જ પરમાત્મા બની જાય છે.
આ મંત્રમાં સૌ પ્રથમ પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ અરહંત ભગવાન તથા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. ત્યારબાદ વીતરાગ માર્ગ ઉપર ચાલવાવાળા સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સાધુઓના આચાર્ય, ઉપાધ્યાય અને સામાન્ય સાધુ બધા જ આવી જાય છે.
અરહંત, સિદ્ધ વગેરે પાંચે “પરમપદ” છે અને જેઓ આ પાંચ પરમપદમાં સ્થિત હોય તેને પરમેષ્ઠી કહે છે.
આ પરમેષ્ઠીઓનું સ્વરૂપ જુદું જુદું આગળ કહેવામાં આવે છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com