________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪૦ ]
[ મોક્ષશાસ્ત્ર સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
વસ્તુસ્વભાવ અને તેમાં કઈ તરફ ઢળવું! વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય, નિત્યપણું અને અનિત્યપણું, ઈત્યાદિ જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે કદી ટળતો નથી. પણ જે બે વિરુદ્ધ ધર્મો છે તેમાં એકના લક્ષ વિકલ્પ તૂટે છે અને બીજાના લક્ષે રાગ થાય છે. અર્થાત્ દ્રવ્યના લક્ષે વિકલ્પ તૂટે છે અને પર્યાયના લક્ષે રાગ થાય છે, એથી બે નયોનો વિરોધ છે. હવે, દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન જો પર્યાયને જાણે તોપણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ દ્રવ્યસ્વભાવની મુખ્યતા સાધકદશાની પૂર્ણતા સુધી નિરંતર રહ્યા કરે છે. અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ નથી, તેથી સાધક જીવને સળંગપણે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુદ્ધતા વધતાં વધતાં જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે વસ્તુના પરસ્પર વિરુદ્ધ બને ધર્મોને (દ્રવ્ય અને પર્યાયને) એક સાથે જાણે છે, પણ ત્યાં હવે એકની મુખ્યતા ને બીજાની ગૌણતા કરીને ઢળવાનું રહ્યું નથી. ત્યાં સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બે નયોનો વિરોધ ટળી ગયો (અર્થાત્ નયો જ ટળી ગયા) તોપણ વસ્તુમાં જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com