________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદઘાત
આ નિકૃષ્ટ કાળમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાજ્ઞાનની અતિશય ન્યૂનતા તથા શ્રી નિગ્રંથ વીતરાગ માર્ગના ગ્રંથોનાં પઠન પાઠનનો કોઈ પ્રકારે અભાવ થઈ રહ્યો હતો, તેવા સમયમાં ( વિક્રમની ૧૮મી શતાબ્દિના અંતમાં અને ૧૯મી શતાબ્દિના પ્રારંભમાં ઢુંઢાહડદેશ (રાજસ્થાન)ના સવાઈ જયપુર નગરમાં આ “મોક્ષમાર્ગ-પ્રકાશક' ગ્રંથના રચયિતા, નિગ્રંથ-વીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય બુદ્ધિના ધારક અને વિદ્ધજ્જનમનવલ્લભ આચાર્યકલ્પ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો. પિતાનું નામ જોગીદાસ અને માતાનું નામ રંભાદેવી હતું. તેઓ જાતિએ “ખંડેલવાલ” અને ગોત્ર “ગોદીકા” હતા. ગોદીકા' તે સંભવતઃ “ભોંસા” અને “બડજાત્યા” નામના ગોત્રનું નામાન્તર છે. તેમનું ગૃહસ્થજીવન સાધનાસંપન્ન હતું.
૫. ટોડરમલજીના શિક્ષાગુરુનું નામ પંબંશીધરજી હતું. તીવ્ર બુદ્ધિશક્તિના કારણે ટોડરમલજી શાસ્ત્રપાઠ અને તેના અર્થનું શીધ્ર અવધારણ કરી લેતા હતા, કુશાગ્ર મેધાને લીધે નાની ઉંમરમાં ને ટૂંકા સમયમાં જૈનસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, કોષ આદિ વિવિધ વિષયોમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી હતી. હિન્દી સાહિત્યના દિગંબર જૈન વિદ્વાનોમાં તેમનું નામ ખાસ ઉલ્લેખનીય છે. હિન્દીના ગદ્યલેખક વિદ્વાનોમાં તેઓ પ્રથમ કોટિના વિદ્વાન ગણાય છે. વિદ્વત્તાને અનુરૂપ તેમનો સ્વભાવ પણ વિનમ્ર તેમ જ દયાળુ હતો અને સ્વાભાવિક કોમળતા, સદાચારિતા વગેરે સદ્ગુણો તેમના જીવનસહુચર હતા. અહંકાર તો તેમને સ્પર્શી શક્યો જ નહોતો. સૌમ્ય મુદ્રા ઉપરથી તેમની આંતરિક ભદ્રતા તેમ જ વાત્સલ્યનો પરિચય સહજપણે પ્રાપ્ત થઈ જતો હતો. તેમની રહેણીકરણી ઘણી જ સાદી હતી. આધ્યાત્મિકતા તો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. શ્રીમદભગવદ્કુંદકુંદાચાર્યાદિ મહર્ષિઓના આધ્યાત્મિક ગ્રંથોનો તેમનાં અધ્યયન, મનન તેમ જ પરિશીલનથી–પંડિતજીના જીવન પર ઘણો સારો પ્રભાવ પડયો હતો. અધ્યાત્મતત્ત્વની ચર્ચા કરતાં તેઓ આનંદથી ઊછળી જતા હતા અને શ્રોતાગણ પણ તેમની વાણી સાંભળીને ગદગદ થઈ જતો હતો. સંસ્કૃત અને પ્રાકૃત-બન્ને ભાષાઓના તેઓ તે સમયના અદ્વિતીય તેમ જ સુયોગ્ય વિદ્વાન હતા. તેમનો ક્ષયોપશમ આશ્ચર્યકારી હતો અને તેઓ વસ્તુસ્વરૂપના વિશ્લેષણમાં અતિ દક્ષ હતા. તેમનો આચાર તેમ જ વ્યવહાર વિવેકયુક્ત અને મૂદુ હતો. તેમના દ્વારા રચિત ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર, આત્માનુશાસન અને પુરુષાર્થસિદ્ધયુપાય વગેરેની ભાષાટીકાઓ તથા આ “મોક્ષમાર્ગપ્રકાશક' નામની તેમની સ્વતંત્ર ગ્રંથરચનાનું અવલોકન કરતાં જણાય છે કે તે સમયમાં તેમના જેવા સ્વમત-પરમતના જ્ઞાતા જ્વલ્લે જ કોઈ હશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com