________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૦૧
સાંભળતાં પણ જે ઘણો રાગી થયો તો તે અન્ય કયા ઠેકાણે વિરાગી થશે? તે તો પુરાણ સાંભળવાં છોડીને અન્ય પણ એવાં જ કાર્ય કરશે કે જ્યાં ઘણા રાગાદિ થાય! માટે તેને પણ પુરાણ સાંભળતાં થોડીઘણી ધર્મબુદ્ધિ થાય તો થાય ? બીજાં કાર્યોથી તો આ કાર્ય ભલું જ છે.
પ્રશ્ન:- પ્રથમાનુયોગમાં તો અન્ય જીવોની કથાઓ છે તો તેથી પોતાનું પ્રયોજન શું સધાય છે?
ઉત્તર:- જેમ કામી પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ કામ્યપ્રેમ વધે છે તેમ ધર્માત્મા પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ ધર્મમાં વિશેષ પ્રીતિ થાય છે. માટે પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે.
કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કેટલાક જીવ કહે છે કે-કરણાનુયોગમાં ગુણસ્થાનનું, માર્ગણાદિકનું, કર્મપ્રકૃતિઓનું વા ત્રિલોકાદિનું કથન કર્યું છે, હવે તેને જાણી લીધું કે આ “આમ છે અને આ આમ છે.” પણ તેમાં પોતાનું કાર્ય શું સિદ્ધ થયું? કાં તો ભક્તિ કરીએ, કાં તો વ્રત-દાનાદિ કરીએ અગર કાં તો આત્માનુભવ કરીએ તો તેથી પોતાનું ભલું થાય.
સમાધાન:- પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદકષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમફળ થાય છે, હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત-દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત સાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટક્તો નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે.
એ વિચારો વર્તમાન રાગાદિક પણ ઘટાડે છે તથા ભાવી રાગાદિક ઘટાડવાનાં કારણ છે. માટે અહીં (કરણાનુયોગમાં) ઉપયોગને જોડવો.
જીવ-કર્માદિકના નાના પ્રકારના ભેદ જાણે તેમાં રાગાદિ કરવાનું પ્રયોજન નથી તેથી રાગાદિક વધતા નથી, અને વીતરાગ થવાનું પ્રયોજન તેમાં ઠામ ઠામ પ્રગટ છે તેથી રાગાદિ મટાડવાનું એ કારણ છે.
પ્રશ્ન:- કોઈ કથન તો એમ છે, પરંતુ દીપ-સમુદ્રાદિ અને તેના યોજનાદિનું તેમાં નિરૂપણ કર્યું છે તેથી શું સિદ્ધિ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com