________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
થયું નથી પરંતુ સ્થૂળપણે વિષય ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને ઇન્દ્રિયવિષયનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતી જીવ ત્યાગ ના આચરણ કરે છે તે ચરણાનુયોગની પદ્ધતિ અનુસાર વા લોકપ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે છે. જેમ કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો છે, ત્યાં ચરણાનુયોગમાં વા લોકમાં જેને ત્રસહિંસા કહીએ છીએ તેનો તેણે ત્યાગ કર્યો છે પણ કેવળજ્ઞાન વડે જે ત્રસ જીવો દેખાય છે તેની હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે તથા કાયાથી ન પ્રવર્તવું તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગ વા ગ્રહણ હોય છે તે એવી પદ્ધતિ સહિત જ હોય છે એમ જાણવું.
પ્રશ્ન:- કરણાનુયોગમાં તો કેવળજ્ઞાનની અપેક્ષાએ તારતમ્ય કથન છે, તો ત્યાં છઠ્ઠી ગુણસ્થાનવાળાને બાર અવિરતિઓનો સર્વથા અભાવ કહ્યો તે કેવી રીતે કહ્યો?
ઉત્તર- અવિરતિ પણ યોગકષાયમાં ગર્ભિત હતી પરંતુ ત્યાં પણ ચરણાનુયોગની અપેક્ષાએ ત્યાગનો અભાવ, તેનું જ નામ અવિરતિ કહ્યું છે માટે ત્યાં તેનો અભાવ છે. મનઅવિરતિનો અભાવ કહ્યો, પણ મુનિને મનના વિકલ્પો તો થાય છે પરંતુ મનની સ્વેચ્છાચારી પાપરૂપ પ્રવૃત્તિના અભાવથી ત્યાં મનઅવિરતિનો અભાવ કહ્યો.
વળી ચરણાનુયોગમાં વ્યવહાર-લોકપ્રવૃત્તિની અપેક્ષાએ જ નામાદિક કહીએ છીએ. જેમ સમ્યગ્દષ્ટિને પાત્ર તથા મિથ્યાષ્ટિને અપાત્ર કહ્યા, ત્યાં જેને જિનદેવાદિકનું શ્રદ્ધાન છે તે તો સમ્યગ્દષ્ટિ છે તથા જેને તેનું શ્રદ્ધાન નથી તે મિથ્યાદષ્ટિ જાણવો. કારણ કે દાન આપવું ચરણાનુયોગમાં કહ્યું છે ત્યાં ચરણાનુયોગની અપેક્ષાએ જ સમ્યકત્વ-મિથ્યાત્વ ગ્રહણ કરીએ છીએ, જો ત્યાં કરણાનુયોગની અપેક્ષાએ સમ્યકત્વ-મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો જે જીવ અગિયારમાં ગુણસ્થાનમાં છે તે જ પાછો અંતર્મુહૂર્તમાં પ્રથમ ગુણસ્થાનમાં આવે, તો ત્યાં દાતાર પાત્ર-અપાત્રનો નિર્ણય કેવી રીતે કરી શકે? તથા જે દ્રવ્યાનુયોગની અપેક્ષાએ ત્યાં સમ્યકત્વમિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો મુનિસંઘમાં દ્રવ્યલિંગી પણ છે અને ભાવલિંગી પણ છે, હવે પ્રથમ તો તેનો બરાબર નિર્ણય થવો કઠણ છે કારણ કે–બાહ્યપ્રવૃત્તિ બંનેની સમાન છે, તથા જો કદાચિત્ સમ્યગ્દષ્ટિને કોઈ બાહ્યચિહ્ન વડે તેનો નિર્ણય થઈ જાય અને તે આની ભક્તિ ન કરે તો બીજાઓને સંશય થાય કે-“આની ભક્તિ કેમ ન કરી?” એ પ્રમાણે જો તેનું મિથ્યાષ્ટિપણું પ્રગટ થાય તો સંઘમાં વિરોધ ઉત્પન્ન થાય, માટે ત્યાં વ્યવહારસમ્યકત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ કથન જાણવાં.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ તો દ્રયલિંગીને પોતાનાથી હીનગુણવાન માને છે તો તે તેની ભક્તિ કેવી રીતે કરે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com