________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪] બારણું હોય, તેમાં ભાઈ સાહેબે ત્રણ ગોદડાં ઓઢયા હોય અને આંખે ચિપડા વળ્યા હોય, તેને કહે કે જો આ સોનાના નળીયા થયા-સૂર્ય દેખાય. પણ શી રીતે દેખાય? આંખ ઉઘાડીને બધું દૂર કરે ત્યારે દેખાય ને?
એક સાકરની સાથે નવ મીઠાઈ મેળવે તોપણ સાકરને જોવાવાળો, સાકર, સાકર, સાકર, જોવે છે, બીજા લોટ આદિને નહીં. તેમ આખી દુનિયામાં જ્યાં જોવે ત્યાં ચેતન ચેતન, જાણનાર, જાણનાર તે હું, બીજી વસ્તુ જણાય જાય જ્ઞાન તે હું નહીં. હું તો જાણનાર છું. જડનું જ્ઞાન, સંવરાદિનું જ્ઞાન, બીજા જીવનું જ્ઞાન, પણ જ્ઞાન તે હું છું. સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્માની જ્યાં સુધી દષ્ટિ ન કરે ત્યાં સુધી તેને કિચિંતું પણ ધર્મ થતો નથી.
जइ णिम्मलु अप्पा मुणहि छंडिवि सहु व्यवहारु । जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।। ३७।। જો શુદ્ધતમ અનુભવો, તજી સકલ વ્યવહાર
જિનપ્રભુજી એમ જ ભણે, શીધ્ર થશો ભવપાર. ૩૭. જિનેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણીમાં હુકમ આવ્યો છે કે અમે વ્યવહારનું જે જ્ઞાન કરવાનું કહ્યું-તે વ્યવહારને જેમ છે તેમ જાણ પણ તેની દષ્ટિ છોડ ને એક નિર્મળ આત્માનો અનુભવ કર. વ્યવહાર છોડવાની ભગવાનની આજ્ઞા છે. આવો સિંહનાદ ભગવાનનો છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ તેની એકાગ્રતાનો આત્મઅનુભવ કરીશ અને વ્યવહાર છોડીશ ત્યારે તારી મુક્તિ થશે.
પરપદાર્થ ને પરમાણુમાત્ર પણ હિતકારી નથી અને વ્યવહાર ધર્મ ને તેનો જેટલો વિષય તે બધો ત્યાગવા યોગ્ય છે. સર્વ વ્યવહાર એટલે કે પરવસ્તુને છોડ, રાગ છોડ, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો વિકલ્પ છોડ, ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ છોડ. અરે! હું ભગવાન સિદ્ધ સમાન છું એ પણ એક વિકલ્પ છે. જેટલા વ્યવહારના ભેદ તે બધા છોડવા જેવા છે, તેનો કોઈ પણ અંશ આશ્રય કરવા લાયક નથી. ભલે તે નિમિત્ત હોય, દયા-દાનના વિકલ્પ હોય કે એક સમયની પર્યાયનો ભેદ હોય પણ તે આશ્રય કરવા લાયક નથી. આ આજ્ઞાથી વિરુદ્ધ માને તેને ભગવાનની આજ્ઞાની અને ઉપદેશની શ્રદ્ધા નથી. જ્યાં સુધી વ્યવહારનો વિકલ્પ રહેશે ત્યાં સુધી અંતર અનુભવ નહીં થઈ શકે. આત્માનો અનુભવ એ એક જ મોક્ષનો મારગ છે. ધર્મજીવને તો પોતાનો દેવ આત્મા, ગુરુ પોતાનો આત્મા અને શાસ્ત્ર પણ પોતાનો આ આત્મા ને ઘર પણ આત્મા-ભગવાન સચ્ચિદાનંદપ્રભુ સિદ્ધ સમાન સદા પદ મેરો. એવો આત્મા તે તેનું ઘર છે. ધર્મીનું ઉપવન આત્મા છે, આહાહા ! ત્યાં તે ફરે છે. આસન પણ જ્ઞાનાનંદ ભગવાન છે અને તે જ શીલા, પર્વતની ગુફાને સિંહાસન છે. આત્માની એકાગ્રતારૂપ નૌકા તે જ ધર્મીને સંસારથી પાર કરાવવાવાળી છે. વ્યવહારના અહંકાર મુનિપણાદિનો અહંકાર તે બધો મિથ્યાત્વ છે. વ્યવહારમાં સાવધાનવાળો મોક્ષમાર્ગી નથી. નિશ્ચયમાં સાવધાનવાળો મોક્ષમાર્ગી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com