________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૨૧૩
તને તારું સ્વરૂપ પ્રાપ્ત થશે. જ્યાં તું નથી ત્યાંથી કેવી રીતે મળે? પણ આ જીવ એવો રાંકો થઈ ગયો છે કે તેને આવડું મોટું પોતાનું સ્વરૂપ હશે એવો વિશ્વાસ બેસતો નથી. જેમ બાળકને પોતાના નિધાનનું ભાન નથી તેમ અજ્ઞાનીને પોતાના અચિંત્ય નિધાનનું ભાન નથી.
એક તરફ પોતે આત્મા છે અને બીજી તરફ રાગ-દ્વેષ વિકાર આદિ પરભાવ છે એ બન્નેને જાણે તો, પોતાનો આશ્રય લઈને પરભાવને છોડે. જ્ઞાન તો બન્નેનું કરવાનું છે પણ પોતાના સ્વભાવને જાણીને ગ્રહણ કરવાનો છે અને પરભાવને જાણીને છોડવાનો છે.
સ્વ-પરના જ્ઞાન વગર ભલે દરિયા જેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તોપણ ભેદજ્ઞાન રહિત જીવ મોક્ષ પામતો નથી.
શ્રોતાઃ- શાસ્ત્ર-સ્વાધ્યાયથી નિર્જરા થાય છે એમ તો શાસ્ત્રમાં આવે છે!
પૂજ્ય ગુરુદેવઃ- ‘શાસ્ત્ર-સ્વાધ્યાયથી જ્ઞાનીને અસંખ્યગુણી નિર્જરા થાય છે'
એમ ધવલમાં પાઠ છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ એ વાત આવે પણ તેનો અર્થ એમ નથી કે શાસ્ત્ર તરફના વિકલ્પથી નિર્જરા થાય છે. જ્ઞાનીને શાસ્ત્ર-સ્વાધ્યાય કરતાં કરતાં પણ સમયે-સમયે ઘોલન આત્મા તરફનું છે, તેને ઢાળ આત્મામાં છે તેનાથી નિર્જરા થાય છે. વીતરાગતાથી જ નિર્જરા થાય. વિકલ્પથી કદી નિર્જરા ન થાય. શાસ્ત્રસ્વાધ્યાયના વિકલ્પથી નિર્જરા થતી હોય તો તો સર્વાર્થસિદ્ધિના દેવો ૩૩ સાગર સુધી એ જ કરે છે તેને ખૂબ નિર્જરા થવી જોઈએ પણ એમ નથી. તેને તો ગુણસ્થાન પણ વધતું નથી. ચોથું જ ગુણસ્થાન રહે છે. એ દેવો પણ ઈચ્છે છે કે અમે ક્યારે મનુષ્ય થઈને અંતરની સ્થિરતા વધારી નિર્જરા કરીએ ? દેવપર્યાયમાં તો તેને પુણ્ય ઘણું છે તેથી જેમ પાણીનો પ્રવાહ હોય ત્યાં ખેતી થતી નથી કેમ કે પ્રવાહમાં બીજ જ અંદર રહેતું નથી તો ઊગે શી રીતે? તેમ એ દેવોને સમ્યગ્દર્શન હોવા છતાં પુણ્યનો પ્રવાહ એટલો બધો છે કે તેમાં સ્થિરતાનું બીજ ઊગતું નથી-નિર્જરા થતી નથી. તે જ રીતે જેમ ખારી જમીનમાં બીજ ઊગતું નથી તેમ નરક પર્યાયમાં-પાપના પ્રવાહમાં નારકીને કદાચ સમ્યગ્દર્શન હોય તોપણ સ્થિરતાનું બીજ ઊગતું નથી.
જાતિ અંધનો રે દોષ નહિ આકરો, જે નવી જાણે રે અર્થ,
મિથ્યાદષ્ટિ તેથી રે આકરો, કરે અર્થના અનર્થ.
નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્તથી વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ નહિ માનતાં વિપરીત માનનારો મિથ્યાદષ્ટિ જન્માંધ કરતાં પણ વધુ આકરો છે. વીતરાગની પેઢીએ બેસીને વીતરાગના નામે જે તત્ત્વ કહે તેની બહુ જવાબદારી છે. વીતરાગનો માર્ગ સ્વાશ્રયથી જ શરૂ થાય છે તેને બદલે પરાશ્રયથી લાભ માનવો અને કહેવો તેનું ફળ આકરું છે ભાઈ ! તેથી અહીં ૯૬ મી ગાથામાં કહ્યું કે અનેક શાસ્ત્ર જાણવાં છતાં જેણે અંતરમાં શુદ્ધ-બુદ્ધ અવિકાર ચૈતન્યઘન તે હું અને રાગાદિ વિકાર તે હું નહિ-એવું ભેદજ્ઞાન જેણે ન કર્યું તે વીતરાગ માર્ગને સમજ્યો જ નથી. તેથી તે શાસ્ત્રને જાણવા છતાં મુક્તિને પાત્ર થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com