________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
હવે મારે કેટલા ભવ છે? અરે, હું તો ભવરહિત વસ્તુ છું ને! મારે ભવનો પરિચય જ નથી. વસ્તુ એટલે અનંતગુણનો સાર-રસકસ એવી ચીજને ભવનો પરિચય જ નથી. પર્યાયમાં ભવનો પરિચય છે પણ દષ્ટિ પર્યાયને સ્વીકારતી જ નથી.
જેણે પોતાની દૃષ્ટિમાં ધર્મધારક ધર્મીને ધારી લીધો, તેની દષ્ટિમાં ભવ છે જ નહિ અને તેની પર્યાયની ગતિ પણ ભવના અભાવ તરફ થવા લાગી છે તે નિઃસંદેહ થઈ ગયો છે કે મારે હવે ભવ છે જ નહિ. એક બે ભવ છે તે મારા પુરુષાર્થની કમીને કારણે રાગને કારણે છે, તે મારા જ્ઞાનનું જ્ઞય છે, મારું સ્વરૂપ નથી, તેનો હું સ્વામી નથી. હું તો મારા સહજાન્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ સ્વામી છું એમ જ્ઞાની જાણે છે. સમ્યકત્વની મહિમા કેટલી છે તે આગળ રત્નકરંડ-શ્રાવકાચારની બે ગાથાના આધારે કહેશે.
પૂર્ણાનંદસ્વરૂપ વસ્તુ તે મારી ચીજ છે અને હું તેનો સ્વામી છું. મારી એક સમયની પર્યાયમાં દોષ છે બાકી આખો આત્મા નિર્દોષ પિંડ છે. એ એક સમયના દોષની જેણે રુચિ છોડી અને પૂર્ણાનંદ સ્વભાવમાં રુચિ જોડી તે મોક્ષનો જ પથિક છે. ભગવાન કહે છે માટે હું પૂર્ણ છું એમ નહિ પણ પોતાને નિઃસંદેહ પ્રતીતિ થઈ જાય છે કે “હું તો પૂર્ણ છું, દોષ તે મારું ત્રિકાળી સ્વરૂપ નથી.” જેમ વસ્તુ ક્યારેય પડતી નથી તેમ વસ્તુની દૃષ્ટિ થઈ તે પણ કદી પડતી નથી, અને જેને પડવાની શંકા પડે છે તેને ધ્રુવની દષ્ટિ પણ રહેતી નથી.
સમતભદ્ર-આચાર્ય રત્નકરંડ-શ્રાવકાચારમાં સમ્યગ્દષ્ટિને તેની સન્મુખ ચાલતી ધારાનો કર્ણધાર કહ્યો છે. કર્ણધાર એટલે ખેવટિયો, નાવડિયો કહ્યો છે. સંસારસમુદ્રથી પાર કરનારો નાવડિયો છે. સમ્યગ્દર્શનની ઘણી મહિમા કરી છે કે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન નથી, સમ્યફચારિત્ર નથી. સમ્યગ્દર્શન થયું એટલે તો સર્વસ્વ થઈ ગયું.
સમ્યગ્દષ્ટિ સંસાર તરફ પીઠ રાખે છે, એટલે શું?-કે વિકલ્પ આદિથી ઉપેક્ષા રાખે છે, અને નિર્વિકલ્પ સ્વભાવની અપેક્ષા રાખે છે. જેમ માખી જેવું ચૌરેન્દ્રિય પ્રાણી પણ જ્યાં મીઠાસ લાગે ત્યાંથી ખસતું નથી અને જ્યાં મીઠાસ નથી ત્યાં બેસતું નથી. ફટકડી ઉપર માખી બેસતી નથી અને સાકરમાં મીઠાસ આવે છે ત્યાંથી ઉડતી નથી તેમ આત્મા સાકરની જેમ અતીન્દ્રિય આનંદનો રસકંદ-ઢગલો છે ત્યાં જેની દષ્ટિ પડી છે તે સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ ત્યાંથી ખસતી નથી. આનંદઘનજી પણ કહે છે ને કે “ચાખે રસ ક્યોં કરી છૂટે?” એકવાર રસ ચાખ્યા પછી કેમ કરીને છૂટે? ધર્મીએ અતીન્દ્રિય આનંદનો રસ ચાખ્યો પછી દેવતાની ટોળી આવીને કહે કે આમાં રસ નથી તોપણ જ્ઞાની કહે છે કે મેં અનુભવ કર્યો છે તેમાં ફેર નથી. જ્ઞાનીને પોતાના અનુભવમાં શંકા પડતી નથી.
જ્ઞાનીને સ્વભાવ પ્રત્યે સંવેગ છે. અને પરભાવ-સંસાર પ્રત્યે નિર્વેગ છે. સ્વભાવની રુચિ થઈ છે તેથી વીર્ય પણ તે તરફ જ કામ કરે છે, કેમકે “રુચિ અનુયાયી વીર્ય.' અને જ્ઞાનીને સંસાર, શરીર અને ભોગોથી વિરક્તિ થઈ જાય છે. સંસારમાં ચારેય ગતિમાં આકુળતા છે, શરીર કારાગૃહ સમાન છે અને ઈન્દ્રિયોના ભોગો અતૃતિકારી છે એમ જાણીને જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com