________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦] પ્રાપ્ત કરીને આજે જ અવ્યાકુળપણે નાચો.' આજે જ આત્માનો અતીન્દ્રિય આનંદ લ્યો. વળી કહે છે કે આ શાસ્ત્રની રચના મારાથી થઈ નથી, એ તો પુદ્ગલ-શબ્દોની રચના છે. માટે આ ટીકા અમૃતચંદ્રસૂરીએ રચી છે એમ ન નાચો. ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે અને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. “આ ચૈતન્યને ચૈતન્યપણે આજે જ પ્રબળપણે અનુભવો.' સારા કામમાં ડાહ્યો માણસ વાયદા ન કરે. માટે ભગવાન આત્મા કોઈનો કર્તા-હર્તા નથી માત્ર જાણનાર-દેખનાર છે એવો સ્વીકાર કરીને અત્યારે જ અતીન્દ્રિય આનંદનો અનુભવ કર! વાયદા ન કર!
ભાઈ ! અનંતકાળમાં માંડ આ થોડો સમય મળ્યો છે હો ! મનુષ્યભવનો કાળ બહુ થોડો છે એ પણ માંડ કરીને મળ્યો છે તેને તું બીજા કાર્યોમાં ગુમાવી દઈશ તો કલ્યાણનો કાળ જતો રહેશે. માટે મિથ્યા માન્યતા છોડીને સ્વાનુભવ કરી લે. કહ્યું છે કેઃ
“અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ” આત્માના સ્વરૂપને અનુસરીને જે દશા થાય છે તે અનુભવ છે. માટે મુમુક્ષુને ઉચિત છે કે આત્માના સ્વરૂપમાં વારંવાર રમણ કરે, વારંવાર ભાવના ભાવે. ભાવનામાં રહેવું તે ચારિત્ર છે. આત્મા પોતે પોતાથી પોતામાં એક થઈ જાય છે ત્યાં રત્નત્રયની ઐક્યતા થાય છે, આ રત્નત્રયધર્મ જ નિજ આત્માનો સ્વભાવ છે.
૯૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં અમૃતચંદ્ર આચાર્ય ખરેખર એકલાં અમૃતનું ઘોલન કરવાવાળા હતા. એ આચાર્યદવ ભરતક્ષેત્રમાં માત્ર ૯૦૦ વર્ષ પહેલાં જ થઈ ગયા. કેવા લાગતાં હશે? જાણે હાલતાં-ચાલતાં સિદ્ધ જોઈ લ્યો. એવા એ અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થસિદ્ધિમાં લખે છે કે આત્માનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં સ્થિરતા તે ચારિત્ર. આ ત્રણેયથી કર્મબંધન થતું નથી. અહીં ૮૫ ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે આત્માનુભવમાં જ બધા ગુણ છે.
जहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति । तिहिं कारणहं जोइ फुडु अप्पा विमलु मुणंति ।।८५।।
જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ, કેવળી એમ વદંત,
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫. કેવળી ભગવાનની સાક્ષી આપીને મુનિરાજ વાત કરે છે. ભગવાનના જ્ઞાનમાં એક સમયની પર્યાયમાં બધું જણાય જાય છે. જેમ સ્વચ્છ-નિર્મળ પાણીમાં આકાશમાં રહેલાં તારા દેખાય જાય છે, તારાને જોવા ઉપર નજર કરવી પડતી નથી. તેમ ભગવાનને પોતાના આત્માને અવલંબીને પ્રગટ થયેલી પૂર્ણ કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય જાય છે, પણ જેમ પાણીમાં તારા આવી જતાં નથી તેમ જ્ઞાનમાં લોકાલોક આવી જતું નથી. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com