________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬]
દષ્ટિના જોરે જ્યારે કર્મ કે કર્મના નિમિત્તે થયેલાં પરિણામ તે હું નહિ, હું તો પરિપૂર્ણ અખંડાનંદ એકરૂપ શુદ્ધ તત્ત્વ છું એમ દષ્ટિ આત્માનો સ્વીકાર કરે ત્યારે અંતરમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ-આનંદના કણિયા પ્રગટ થાય છે. માટે જેને સુખ, શાંતિ અને સ્વતંત્રતા જોઈતી હોય તેણે પૂર્ણાનંદ પ્રભુની દૃષ્ટિ કરવી તે જ એક ઉપાય છે.
ચૈતન્ય સ્ફટિકના સ્વભાવમાં પૂર્ણ નિર્મળતા છે. પુણ્ય-પાપના લાલ-કાળા ડાઘનો તેમાં પ્રવેશ નથી. આવી દષ્ટિ કરવી તે ધર્મદષ્ટિ છે. ધર્મદષ્ટિવંત જીવો જ સુખી છે. તે સિવાય ઇન્દ્ર, નરેન્દ્ર, રાજા-મહારાજા, અબજોપતિ શેઠિયા એ બધાં ભિખારા છે, દુઃખી છે.
સ્વભાવદષ્ટિથી જોતાં દરેક આત્મા એક સમાન દેખાય છે, માટે કોઈ શત્રુ કે કોઈ મિત્ર નથી. તેથી સ્વભાવદષ્ટિવંતને કોઈ ઉપર રાગ-દ્વેષ થતો નથી. એ પણ ભગવાન છે. જ્યારે એ પોતાનું ભગવાનપણું સંભાળશે–સ્વીકારશે ત્યારે એ પણ ભગવાન બની જશે. દરેકમાં પરમાત્મશક્તિ ભરી પડી છે. માટે નિગ્રંથ મુમુક્ષુને ઉચિત છે કે તેણે સમતાસ્વભાવમાં સ્થિર થવું, લીન થવું, રમવું. સર્વ નયોના વિચારથી પણ મુક્ત થઈને આત્માનંદમાં મસ્ત થવું. હવે ૭૫ મી ગાથામાં કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું
जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ७५।। જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્કાન્ત
હે યોગી ! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭૫. આત્માની પૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા પરમાત્મા છે તે હું જ છું કેમ કે હું જ પોતે પરમાત્મા થવાને લાયક છું. યોગીન્દ્ર દેવ કહે છે તારે મુક્તિનું પ્રયોજન હોય તો આમ પહેલાં નક્કી કર! નિર્ણય કર કે! “હું જ પરમાત્મા છું.”
જેણે આત્મામાંથી રાગ-દ્વેષનો નાશ કર્યો, અલ્પજ્ઞતાનો નાશ કર્યો અને વીતરાગ, સર્વજ્ઞપણું પ્રગટ કર્યું તેવા પરમાત્મા જેવો જ હું છું. મારી અને પરમાત્માની જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞ જે દશાને પ્રાપ્ત કરી તેવી દશાને ધરનારો શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું.
જેમ તલમાંથી કાઢેલા સ્વચ્છ તેલ જેવું જ તેલ તલમાં ભર્યું પડ્યું છે તેમ વીતરાગે જેવી દશા પ્રગટ કરી છે તેવો જ હું છું. આવા આત્માનો દષ્ટિમાં સ્વીકાર કરવો તે સુખ પામવાનો-પરમાત્મા થવાનો સરળ-સીધો ઉપાય છે. આવી વાત સાંભળવા મળવી પણ બહુ દુર્લભ છે.
દરેક આત્મા સ્વભાવ-શક્તિએ એક સમાન છે. જેણે સ્વભાવનું અવલંબન લઈ પૂર્ણદશા પ્રગટ કરી તે પરમાત્મા થયા. હું પણ એ દશા પ્રગટ કરવાને લાયક છું માટે હું પણ પરમાત્મા છું, જિનેન્દ્ર છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com