________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૯૯ બહુ જ ટૂંકા શબ્દોમાં ટૂંકું કહે છે કે શુભાશુભભાવ રાગદ્વેષમય હોવાથી બંધના કારણ છે, તેને છોડીને ત્રિકાળી આત્મામાં વિશ્રામ કર. એટલે કે શુભાશુભ ભાવમાં વસવું તે આત્મામાં વસવું નથી તેમ કહે છે. આહાહા! ભગવાન ચૈતન્યધામ બિરાજે છે. અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત બિરાજે છે, તેમાં વસ, વિશ્રામ કર ને ઠર અને તે યોગસાર છે. અંદર વસે તે યોગસાર છે, કે જે મુક્તિનો ઉપાય છે ને તેને વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે. આહાહા ! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગ પરમાત્માની વાણીમાં એમ આવ્યું કે ભગવાન આત્મા કે જે શદ્ધભાવે છે તેમાં જેટલો વસે તેટલો ધર્મ છે ને જેટલો પુણ્ય ને પાપના ભાવમાં જાય તેટલો અધર્મ કહેવાય છે. આવી વાત છે, ભારે આકરી ભાઈ ! કર્મ, શરીર, વાણીથી રહિત ભગવાન આત્મા છે. કેમ કે કર્મ, શરીર, વાણી અજીવ છે ને? તેમજ પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ-બંધના કારણ છે માટે તે પણ આત્મા નથી. આત્મા તો શુદ્ધ વીતરાગી વિજ્ઞાનઘનથી ભરેલું તત્ત્વ છે તેમાં તેને શુદ્ધભાવ પ્રગટ થાય છે ને જેટલો પુણ્ય-પાપના વિકલ્પમાં આવે તેટલો અશુદ્ધભાવ છે, બંધભાવ છે. રાગદ્વેષના વિકલ્પો ચાહે તો શુભ હો કે અશુભ હો તેને છોડી દઈને ભગવાન આત્મા કે જે શાંત અને સચ્ચિદાનંદ મૂર્તિ છે તેમાં જેટલો વસે, રહે, ઠરે, એકાગ્ર થાય તેટલો શુદ્ધભાવ પ્રગટ થાય છે, ને તેટલો ધર્મ છે એમ ભગવાને કહ્યું છે, અને તે ધર્મ પંચમગતિનું કારણ છે. વચ્ચે જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવવિકલ્પ આવે છે તેની મોક્ષમાં પહોંચાડવાની તાકાત નથી તેમ કહે છે. કારણ કે તે બંધનું કારણ છે. જેમ પાપનો ભાવ બંધનું કારણ છે તેમ પુણ્યનો ભાવ પણ બંધનું કારણ છે, માટે મોક્ષગતિમાં લઈ જાય તેવી તેનામાં તાકાત નથી. અશુભથી બચવા શુભભાવ હોય છે, પણ તેનાથી સંવર નિર્જરા થાય તેમ છે નહીં. તો કરવા શું કરવા?કે એ ભાવ વચ્ચે આવશે ભાઈ ! જ્યારે તેને પાપભાવ ન હોય ને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યારે શુભભાવ આવે છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ વીતરાગપણાને ન પામે, ત્યાંસુધી વચમાં શુભભાવ આવે છે પણ તે આવે છે માટે મોક્ષનું કારણ છે કે આત્માને શાંતિનું કારણ છે તેમ નથી. કારણ કે શુભભાવ પોતે અશાંતિ છે. અશુભભાવ તીવ્ર અશાંતિ છે ને શુભભાવ મંદ અશાંતિ છે પણ છે અશાંતિ, તેમાં જરીયે શાંતિ નથી. ભગવાન આત્મા અનાદિ અનંત ચૈતન્યજ્યોત છે, અકૃત્રિમ અણકરાયેલ અવિનાશી પ્રભુ છે. તેવા ચૈતન્ય પ્રભુના સ્વભાવમાં તો પરમાનંદ ને શુદ્ધતા ભરી છે, માટે પુણ્ય-પાપના વિકલ્પથી ખસીને સ્વરૂપમાં વસવું કે જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માની નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે, તથા જે આત્મામાં વસે છે તેને આત્માની પૂર્ણ દશા પ્રગટ થાય છે. આશા-તુષ્ણા તે સંસાર-ભ્રમણનું કારણ છે તેમ હવે કહે છે:
आउ गलइ णवि मणु गलइ णवि आसा हु गलेइ । मोहु फुरइ णवि अप्प-हिउ इम संसार भमेइ ।। ४९।।
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઈચ્છામોહ; આત્મહિત સ્કૂટે નહિ, એમ ભમે સંસાર. ૪૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com