________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
[૧૫૫] આ વાત કોને પરિણમે?
હજી તો યથાર્થ ગુરુગમે જેણે આવી વાતનું શ્રવણ પણ કર્યું નથી તે તેનું ગ્રહણ ને ધારણ તો કયાંથી કરે? અને સત્યનું ગ્રહણ અને ધારણ કર્યા વગર જ્ઞાન-સ્વભાવન્મુખ થઈને તેની રુચિનું પરિણમન કયાંથી થાય? અહીં એમ કહેવું છે કે જે હજી તો ઊંધી વાતનું શ્રવણ અને પોષણ કરી રહ્યા છે તેને સત્ય રુચિના પરિણમનની લાયકાત નથી. જેને અંતરની ઘણી પાત્રતા અને પુરુષાર્થ હોય તેને જ આ વાત પરિણમે તેવી છે.
[૧૫૬] ઘર્મનો પુરુષાર્થ.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત, અને સત્ તે દ્રવ્યનું લક્ષણ છે; તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત સમાઈ જાય છે, ક્રમબદ્ધપર્યાય વગર ઉત્પાદ-વ્યય બની શકે નહિ. દરેક પર્યાયનો ઉત્પાદ-વ્યય પોતપોતાના કાળે એક સમય પૂરતો સત્ છે. એકલી પર્યાય ઉપર કે રાગ ઉપર દષ્ટિ રાખીને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય નથી થતો, પણ ધ્રુવ જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ઘણાને એમ પ્રશ્ન થાય છે કે ક્રમબદ્ધપર્યાયમાં વળી ધર્મનો પુરુષાર્થ કરવાનું કયાં રહ્યું? તેને કહે છે કે ભાઈ ! સમ્યકશ્રદ્ધા-જ્ઞાનના અંતર પુરુષાર્થ વગર આ વાત નક્કી જ થતી નથી; “હું જ્ઞાયક છું” એવી દષ્ટિ વગર ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરશે કોણ? જ્ઞાનના નિર્ણય વિના શયનો નિર્ણય થતો જ નથી. જ્ઞાનના નિર્ણય સહિત ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય કરે તો અનંત પદાર્થોમાં કયાંય ફેરફાર કરવાનો અનંતો અહંકાર ઊડી જાય, અને જ્ઞાતાપણે જ રહે.-આમાં જ મિથ્યાત્વના ને અનંતાનુબંધી કષાયના નાશનો પુરુષાર્થ આવી ગયો. આ જ ધર્મના પુરુષાર્થનું સ્વરૂપ છે, બીજો કોઈ બહારનો પુરુષાર્થ નથી.
[૧૫૭]ક્રમબદ્ધ’નો નિર્ણય અને તેનું ફળ.
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કોને થાય? અને તેનું ફળ શું?
-જેની બુદ્ધિ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ છે, અને રાગમાં કે પરનો ફેરફાર કરવાની માન્યતામાં જેની બુદ્ધિ અટકી નથી તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો છે, અને તે નિર્ણયની સાથે તેને પુરુષાર્થ વગેરે પાંચે સમવાય (પૂર્વોક્ત પ્રકારે) આવી જાય છે. અને, સ્વસમ્મુખ થઈને તે નિર્ણય કરતાં જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમબદ્ધપ્રવાહ શરૂ થઈ જાય છે-એ જ તેનું ફળ છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કહો, ક્રમ-બદ્ધપર્યાયનો નિર્ણય કહો, કે મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો, –ત્રણે એક સાથે જ છે; તેમાંથી એક હોય ને બીજા બે ન હોય-એમ ન બને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com