________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૪૯
તમારા પોતાના સ્વાનુભવપ્રત્યક્ષ વડે પરીક્ષા કરીને તેનો સ્વીકાર કરજો. અહા ! પાંચમા આરાના સંત પાંચમા આરાના શ્રોતાઓને કહે છે: પ્રભુ જ્ઞાનાનંદના રસકસથી ભરપૂર જ્ઞાયકચીજ અંદર મૌજૂદ પડી છે ને! જાગતો જીવ અંદર ઊભો છે તે કયાં જાય? એ તો તને સહજ જ છે, સુગમ જ છે. તે સહજ તેમ જ સુગમ સ્વરૂપને મારા અંતરના વૈભવથી દર્શાવું છું, તેને તું તારા અનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરજે. ૨૦૯.
* એક ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જે જીવ જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી જીવને રખડવું મટતું નથી. જે ત્રિકાળી ચીજ છે તેમાં તો એક સમયની પર્યાય પણ નથી. જે ભેદમાં ને વિકલ્પમાં રોકાશે તે જીવને ત્યાં સુધી આત્મા હાથમાં-જ્ઞાનમાં નહીં આવે. પ્રભુ! એક વાર સાંભળ, બધું મૂકીને એકવાર નિર્વિકલ્પતત્ત્વ જો ! અવસર ચાલ્યા જશે તો ફરી કયારે મળશે નાથ ! માટે ચાલતી ધારા જે પર્યાય છે તેની નજર છોડીને તેની પાછળ જે ત્રિકાળી નાથ મૌજૂદ બિરાજમાન છે તેની નજર કર બાપુ! ૨૧૦.
* તાત્પર્ય એ છે કે પર્યાય વિનાનો ભગવાન આત્મા તે ઉપાદેય છે. સિદ્ધ સમાન એટલે કે ત્રિકાળી શુદ્ધ એવો નિજ આત્મા ઉપાદેય છે. પણ કોને ઉપાદેય છે કે જેણે અનુભૂતિ દ્વારા ઉપાદેય બનાવ્યો છે ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. શુદ્ધાત્માની સન્મુખની અનુભૂતિરૂપ પરિણમન થાય ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. એમ ને એમ ઉપાદેય-ઉપાદેય કરે-ધારણામાં રાખે તેને આત્મા ઉપાદેય નથી. ૨૧૧.
* નિજ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધન વસ્તુ પોતે જ પોતાને ઉપાદેય છે. નિશ્ચયથી તો મોક્ષની પર્યાય પણ આશ્રય-આલંબન માટે હેય છે, સંવર-નિર્જરાની (સ્વાનુભૂતિની) પર્યાય પણ હેય છે. નિશ્ચયથી તો નિજ ભગવાન શુદ્ધાત્મા પોતે જ ઉપાદેય છે. દ્રવ્ય, દ્રવ્યથી પ્રકાશતું નથી કારણ કે તે ધ્રુવ છે, સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે; પણ તે ધ્રુવનો આશ્રય લે છે ત્યારે પર્યાયમાં વસ્તુ પ્રકાશ છે–પ્રગટે છે. ૨૧૨.
* પરની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય નથી, પરંતુ સ્વની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય છે. પર્યાય ને દ્રવ્ય બે ભિન્ન સત્તા છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. આવા ભગવાનને લક્ષમાં લેનારી પર્યાય પણ વસ્તુમાં આવતી નથી. ૨૧૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com