________________
[ ૨૩૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
* જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. ૧૦૩૪.
* જેને નિશ્ચય-અમૃતકુંભનો અનુભવ થયો છે તેના વ્યવહાર-પ્રતિક્રમણાદિને વ્યવહારથી અમૃતકુંભ કહેવાય છે પણ અજ્ઞાનીનો શુભરાગ તો એકલો ઝેર છે. અજ્ઞાની ગમે તેટલા મહાવ્રત આદિ પાળે પણ તે ઝેર છે, ચારગતિમાં રખડવાનું કારણ છે. મિથ્યાત્વનું મહાપાપ પડયું છે ને મહાવ્રત આદિ પાળે પણ તે ઝેરનો ઘડો છે. સમ્યગ્દર્શન વિના વ્યવહાર-પ્રતિક્રમણ આદિ સર્વ અપરાધ જ છે, તેથી શુભાશુભથી રહિત ત્રીજી ભૂમિકા તે જ વાસ્તવિક અમૃતકુંભ છે. ૧૦૩૫.
* ઘર-પરિવારની ચિંતા કરી કરીને તું ભવવનમાં ભ્રમણ કરતો આવ્યો છો માટે હવે પરદ્રવ્યની ઇચ્છાને રોકીને પરમાનંદરૂપ પરમાત્મસ્વરૂપમાં ધ્યાન લગાવીને પદ્રવ્યનું મમત્વ છોડ. વીતરાગ પરમાનંદરૂપ પરમાત્મા તે તારું નિજઘર છે, તેમાં ઠરવું તે કહેવાનું તાત્પર્ય છે. સઘળા શાસ્ત્રનો સાર એ છે કે જે ઘરમાં વીતરાગતા ભરી છે એવા તારા નિજઘરનો આશ્રય લે, કેમ કે તેમ કરવાથી તારી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થશે. માટે કેવળ એક નિજ સ્વરૂપનો આશ્રય કરવો, ભાવના કરવી, તે એક જ કર્તવ્ય છે, તે સિવાય અન્ય કાંઈ પણ કરવાયોગ્ય નથી. ૧૦૩૬.
* ચૈતન્ય ચમત્કારિક ચીજ છે. ચૈતન્યદ્રવ્યમાંથી અનંત અનંત કાળથી પર્યાય ઉત્પન્ન થવાં છતાં ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ ઉણપ કે હિણપ થતી નથી. નિગોદની અવસ્થામાં ઘણો અલ્પ વિકાસ રહેવાથી ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ વૃદ્ધિ થતી નથી. નિગોદની પર્યાય કરતાં નવ પૂર્વ તથા અગિયાર અંગના ઉઘાડની પર્યાય અનંતગણી છે અને તેના કરતાં પણ અનંતગણી કેવળજ્ઞાનની પર્યાય છે કે જે અનંતાનંત પદાર્થોને અનંતકાળ સુધી જાણે; એવડી મોટી પર્યાય થઈ છતાં ચૈતન્યદ્રવ્યમાં કિંચિત્માત્ર પણ ઘટાડો કે ઉણપ થાય છે એમ નથી; દ્રવ્ય ને ગુણ તો સદાય એવા ને એવા જ પરિપૂર્ણ રહે એવો ચૈતન્યજાદુગર છે, તેની શક્તિઓ ચમત્કારિક છે, ચૈતન્યનો ચમત્કાર આશ્ચર્યકારી જાદુગરી જેવો છે. ચૈતન્યના ચમત્કારનો મહિમા અપરંપાર છે. એવા ચમત્કારી ચૈતન્ય પ્રભુની પ્રતીતિ કરવી એ આ દુર્લભ માનવભવમાં એકમાત્ર કર્તવ્ય છે. ૧૦૩૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com