________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સમોસરણ, શ્રી સીમંધર પ્રભુ વગેરેનું સ્મરણ આવતાં આ જન્મને ક્ષણવાર ભૂલી જવાણું કેમ હોય ! ત્યાં વૃત્તિની તન્મયતા થઈ જાય છે ને હું સમોસરણમાં શ્રી પ્રભુની સમક્ષ જ કેમ બેઠો હોઉં! સાંભળવા આવ્યો હોઉં! એમ થઈ જાય છે. સમોસરણની અદભુતતા લાગે છે. મહાવિદેહક્ષેત્રમાં જ કેમ હોઉં! એમ લાગી જાય છે. ત્યાંના પરિચિત જીવો દેખાય છે અને બધું જાણે આવવું-જવું ત્યાંનું થઈ રહ્યું હોય એવું લાગે છે. (માગશર વદ બારશ, સવારના નવ પછી આવેલું )
(ચૌદશને સવારે લખાયેલું) સમોસરણમાં ઝાડ અને પાણીના નાના કુંડ જેવો દેખાવ હતો. ઝાડ કેવાં હતાં તે સ્પષ્ટ યાદ આવતું નથી. ત્યાં મોટા મોટા થંભ જેવું હતું. થંભનો રંગ પીળો અને ભૂરા જેવો હતો. થંભ ઉપર ધજા જેવો દેખાવ હતો, રાતા રંગની દેખાતી હતી, અંદર ધોળી ધોળી લીટી હતી. ત્યાં મોટાં મોટાં કમળ જેવો દેખાવ હતો, રમણીક છોડવા ઊગેલા હોય એવી જાતનો દેખાવ હતો. જ્યાં બેસવાનું હતું ત્યાં મખમલ જેવા દેખાવનું કાંઈક હતું. પ્રભુના શરીરમાંથી પ્રકાશની લાઈટ પડી રહી હતી. પ્રભુનું આસન હતું પણ વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ યાદ આવ્યું નથી.
ત્યાં ઘણા માણસો હતા તેમાં ફતેહુકુમાર, ચંદ. ભાઈ, લાભ.... ભાઈ, લાભ ભાઈની સ્ત્રી વગેરે જોવામાં ઘણાં આવ્યાં હતાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk