________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
અધ્યાત્મ વૈભવ (૮૦૫). જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? અહાહા...! આત્મા તો અનાદિ અનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણોથી જીવિત છે, તે કદીય મરતો નથી એવો અમર છે. તો પછી જીવ મરે છે ને જીવે છે એ શું છે? ભાઈ ! એને બહારના પ્રાણો-પાંચ ઇન્દ્રિયો, મન-વચનકાય, આયુ ને શ્વાસોચ્છવાસ-નો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે.
અહીં કહે છે-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. એટલે શું? કે બીજો કોઈ એને મારી કે જીવાડી શકતો નથી, બીજો કોઈ એને દુ:ખી-સુખી કરી શકતો નથી. જે મરે છે તે ખરેખર પોતાના આયુકર્મના ક્ષયથી જ મરે છે, કોઈ બીજાનો માર્યો મરે છે એમ છે જ નહિ. વળી જે જીવે છે તે ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ જીવે છે, કોઈ બીજાનો જીવાયો જીવે છે એમ છે જ નહિ. તેવી જ રીતે આહાર, વસ્ત્ર, પાત્ર, ધન આદિ અનુકૂળ સામગ્રી વડ જે સુખી થાય છે તે શાતાવેદનીયના ઉદયથી જ સુખી થાય છે અને રોગ આદિ પ્રતિકૂળતા વડે દુઃખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી જ દુઃખી થાય છે. એને કોઈ બીજા સુખી-દુઃખી કરે છે એમ છે નહિ. આવી વસ્તુવ્યવસ્થા છે.
(૮-૯૫) (૮૬) અભવ્ય જીવની એક જાતિ છે. જેમ કોરડું મગ હોય તેને ગમે તેટલો નીચેથી પાક આપો તોપણ તે પાણીમાં બફાય-ચઢે નહિ. તેમ જીવની અભવ્ય એક જાતિ એવી છે કે તેને કોઈ પણ પ્રકારે આત્માનુભવ ન થાય, તે કોઈ પણ પ્રકારે ક્યારેય સીઝે નહિ. અભવ્ય એટલે ધર્મ પામવાને નાલાયક. તેને સદાય કર્મફળનું જ વેદના હોય છે.
ભગવાનની વાણી છૂટી તેમાંથી આ શાસ્ત્રો રચાયાં છે. તેમાં આ આવ્યું છે કે જગતમાં મોક્ષને લાયક અનંતા ભવ્ય જીવો છે, અને તેના અનંતમાં ભાગે અભવ્યો છે.
અભવ્ય જીવ હજારો શાસ્ત્રો ભણે, હજારો રાણીઓ છોડી નમ્ર દિગંબર મુનિદશા અંગીકાર કરે અને બહારમાં મહાવ્રતાદિ બરાબર પાળે; બહારમાં એને વ્યવહાર શ્રદ્ધા બરાબર હોવા છતાં અંદર નિજાનંદસ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન તેને કદીય થતું નથી. હું પરમ પવિત્ર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવો અનુભવ એને કદાપિ થતો નથી. તેથી તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો જ નથી. સ્વરૂપ-શ્રદ્ધાનનો તેને સદાય અભાવ હોવાથી તે કર્મફળને સદા ભોગવે જ છે.
(૯-૭૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com