________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
અધ્યાત્મ વૈભવ અતીન્દ્રિય આનંદના રસનો કસ ચઢી ગયો છે. કહે છે-આત્મા જ્ઞાનાદિ અનંતગુણ-રસથી ભરેલી કસવાળી ચીજ છે. એ ચીજને જેણે પોતામાં જાણી, માની અને ત્યાં જ જે રમ્યો-ઠર્યો તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે. અહા ! પંચમ આરાના મુનિ કેવી ખુમારીથી વાત કરે છે. એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું.
(૧૦-૨૬૦ ). (૪૭૩) ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. ક્ષેત્ર ભલે થોડું હો, પણ અમાપ. અમાપ અનંત શક્તિઓનું એકરૂપ એવો એ ચૈતન્ય મહાપ્રભુ અનંત ગુણ-ઋદ્ધિઓનો ભંડાર છે. અરે ! એણે પર્યાય આડે નિજ સ્વભાવના સામર્થ્ય સામુ કદી જોયું નથી! એક સમયની પર્યાય પાછળ નજર કરે તો ચૈતન્યચિંતામણિ નિર્મળાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. પુણ્ય-પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, એનું ફળ નિગોદના અવતાર છે. આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે; અંદર ચૈતન્યઋદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ બિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ રમણતા કરે તે મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે. ભાઈ ! જો મોક્ષની ઇચ્છા છે તો બહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, વ્રત-ભક્તિ આદિ વ્યવહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર વિરાજે છે તેના રુચિ-રમણતા કર; તે એક જ મોક્ષમાર્ગ છે.
(૧૦-ર૬O) (૪૭૪) અહાહા...! આત્મા અનંત ગુણરતનથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેનું એકેક ગુણરતત અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તષ અનુભવનરૂપ છે, તેથી તેને જ પરમાર્થપણું છે. નિસ્તુષ એટલે રાગરહિત શુદ્ધ વીતરાગી અનુભવન તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વેદન છે તેને જ પરમાર્થપણું છે.
(૧૦-૨૮૭) (૪૭૫) - ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતાં જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી પરમાર્થ છે. ભાઈ ! જન્મમરણ રહિત થવાનો આ માર્ગ છે. વસ્તુ તારી અંદર ત્રિકાળ ધ્રુવ અમર છે. તેનું વરણ કર, તેને ના વરે તો અનંતવાર મરણ થાશે ભાઈ ! અમર વસ્તુ છે અંદર તેને વર તો અમર થઈ જઈશ. અહાહા...! અમરનું ભાન થયે અમર થઈ જઈશ.
અહાહા...! પોતાની ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદમય અમર છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ પ્રગટતાં અમરપણું પ્રગટે છે. આ એક જ પરમાર્થ માર્ગ છે. સાથે વ્યવહાર ભલે હો, પણ તેને પરમાર્થપણું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com