________________
નવકાર મંત્ર-અરિહંતની અઢાર દોષરહિતતા
(૭) રતિ - સાતા કે આનંદનું વેદન. (૮) અરતિ - અસાતા કે દુઃખનું વંદન. (૯) શોક - ચિંતા, (૧૦) ભય - બીક (૧૧) જુગુપ્સા - દુગંછા. કોઈ નિમિત્તે કે કારણ વિના હાસ્યાદિ ઉપજવા તે. (૧૨) કામ - અર્થાત્ મન્મથ, વિષય ભોગ. (૧૩) મિથ્યાત્વ - દર્શન મોહનીય, અશ્રદ્ધા. (૧૪) અજ્ઞાન – મૂઢતા, જ્ઞાન રહિતતા. (૧૫) નિદ્રા - સામાન્ય ઉંઘથી પ્રગાઢ નિદ્રા પર્યન્ત. (૧૬) અવિરતિ – પચ્ચકખાણ ન હોવું તે, વિરતિનો અભાવ. (૧૭) રાગ - મોહ, મમત્વ, આસક્તિ, મનોજ્ઞ વિષયોમાં ગૃદ્ધિ. (૧૮) દ્વેષ - અમનોજ્ઞ વિષયો પ્રત્યે અરુચિ કે ક્રોધ આદિ ભાવ થયો તે.
અરિહંત પરમાત્માએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચારે કર્મોનો સર્વથા ક્ષય કરેલ હોવાથી ઉપરોક્ત અઢાર દોષમાંનો એક પણ દોષ તેઓને સંભવતો નથી.
• લઘુ દષ્ટાંત :- ઉક્ત અઢાર દોષોમાં ફક્ત બે દોષ - રાગ અને દ્વેષની રહિતતા સમજવા ભગવંત મહાવીરના જીવનના બે પ્રસંગો યાદ કરીએ – ભગવંત મહાવીર કનકપલ આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા છે. તે વખતે ચંડકૌશિક સર્પ દ્વેષપૂર્વક તેમના પગે ડંસ દે છે, તો પણ કરુણાના સાગર પ્રભુ સર્પ પરત્વે લેશમાત્ર રોષ ન કરતા, ઉલટાના સર્પને પ્રતિબોધ કરે છે. કેમકે અરિહંતો દ્વેષ સહિતના અઢાર દોષથી રહિત હોય છે. એ જ રીતે જ્યારે કોઈ દેવે આવીને પરમાત્માના પગે ચંદનનું વિલેપન કર્યું ત્યારે પરમાત્મા મહાવીર તેની પ્રત્યે કોઈ જ રાગવાળા થયા નહીં. અથવા તો સુરેન્દ્રો જ્યારે ભગવંતના ચરણોને સ્પર્શે છે ત્યારે પણ ભગવંત રાગવાળા થતા નથી. કેમકે તેઓ રાગાદિ અઢાર દોષોથી રહિત હોય છે.
• અરિહંત પરમાત્માની કલ્યાણકો સંબંધી વિશેષતા :
અરિહંત પરમાત્માના જીવનના પાંચ પ્રસંગોની અત્યંત મહત્તા જૈનદર્શનમાં સ્વીકારાયેલી છે. (૧) ચ્યવન, (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવળ અને (૫) નિર્વાણ. આ પાંચે કલ્યાણકારી હોવાથી તેઓને કલ્યાણક કહેવામાં આવે છે. તીર્થંકર નામકર્મ પૂર્વભવોમાં સત્તારૂપે અને અનિકાચિતરૂપે હોય છે. જ્યારે મોક્ષગમનના ભવે ઉદયરૂપે અને નિકાચીત રૂપે હોવાથી તેનું સાક્ષાત્ ફળ એ ભવમાં જ મળવાનું છે. આ ફળ તે જ કલ્યાણકો.
-૦- ચ્યવન કલ્યાણક અને પૂર્વ સ્થિતિરૂપ વિશેષતા :- તીર્થકરોના ચ્યવન આદિ પાંચ પ્રસંગો કલ્યાણક કહેવાય, તે વાત સાચી, પણ કોઈ જીવ આવી અરિહંતપણાની યોગ્યતા પામે ક્યારે ? પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કર્યું હોય ત્યારે. આવા તીર્થંકર નામકર્મનો બંધ થાય તે માટેની પૂર્વ શરત કઈ ? પૂર્વ શરત એ છે – (૧) “સવિજીવ કરું શાસનરસી” એવી તીવ્ર ભાવના