________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૧૬૩
ખરેખર સંધ્યાના રંગની જેમ આ દેહ પણ અનિત્ય છે. એટલે કે કાયમ રહેવાનો નથી, આમ, ચિંતન કરતાં વૈરાગ્ય ભાવ જાગે છે. અને પોતાના બાલ્યવયના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરે છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિહરતા વિહરતા એક વખત રાજગૃહીનગરીના ઉદ્યાનમાં ધ્યાનમાં એક પગે ઊભા છે, બીજો પગ પહેલા પગ પર ચઢાવી બે હાથ આકાશ તરફ ઊંચા રાખી સૂર્ય સામે દૃષ્ટિ લગાડીને કાર્યોત્સર્ગ મુદ્રા ધરી ઊભા છે.
આવા સમયે ભગવાન રાજગૃહી નગરીનાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે તે જાણીને શ્રેણિક રાજા વંદન કરવા નીકળ્યા છે. મુનિને આવો ઉગ્ર તપ તપતાં જોઈ શ્રેણિક મહારાજા હાથીની અંબાડી પરથી નીચે ઉતરીને મુનિને વંદન કરે છે અને પછી ભગવાનની (વીરપ્રભુની) દેશના સાંભળવા જાય છે.
આ સમયે એક સૈનિક જેનું નામ દુર્મુખ હતું તે બોલ્યો કે આ મુનિનું નામ પણ લેવા લાયક નથી. તેણે પોતાના પાંચ વર્ષના બાળકને ગાદીએ બેસાડ્યો છે, તેના વૈરીએ નગર લુંટ્યું છે ગાદી હડપ કરી જવાની તૈયારી છે,નગરવાસી વિલાપ કરી રહ્યા છે, બાળકને હમણાં જ મારીને રાજ્ય લઈ લેશે. બસ આટલી જ વાત કાનમાં પડી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાન તપમાં ભંગ પડ્યો અને ચિંતન શરૂ થઈ ગયું. મારા જીવતે જીવ મારો શત્રુ મારા બાળકને મારી નાંખશે મનમાં ને મનમાં તુમુલયુદ્ધ જામી ગયું. ધર્મધ્યાનને બદલે રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. શત્રુને હણવાનું મનમાં શરૂ થઈ ગયું કે હું આ શસ્ત્રથી હુમલો કરીશ ને આનાથી મારીશ.
પેલી ત૨ફ શ્રેણિક મહારાજા રાજર્ષિના ધ્યાનથી પ્રસન્ન થઈ ગયેલા પ્રભુને પૂછે છે હે ભગવન્ ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ ને જોયાં તેઓ ખૂબ સુંદર ધ્યાનમાં મગ્ન હતાં તેઓ અત્યારે કાળધર્મ પામે તો શી ગતિ થાય ?
શ્રી વીર પ્રભુ કહે સાતમી નરકે જાય. શ્રેણિક મહારાજા ધબકારો ચૂકી ગયા, છતાં ફરી પુછયું પ્રભુ હવે કાળ કરે તો ?
ભગવન્ બોલ્યા છઠ્ઠી નરક એમ વારંવાર એ જ પ્રશ્ન શ્રેણિક મહારાજાએ ભગવનને પૂછયો અને ભગવનનાં ઉત્તરમાં પાંચમી-ચોથી-ત્રીજી-બીજી-પહેલી એમ એક એક નારકી ઘટતી ગઈ.
ફરી શ્રેણિક મહારાજાએ એ જ પ્રશ્ન પૂછયો પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ મિનિટે કાળ કરે તો તેની શી ગતિ થાય ? ભગવાન જણાવે છે. અત્યારે કાળ કરે તો દેવલોકે જાય એ રીતે તેની શુભગતી વધતી ચાલી અને છેવટે ગગનમાં દેવ દુંદુભિનો નાદ સંભળાયો શ્રેણિક મહારાજાએ ફરી પૂછ્યું આ શેનો અવાજ છે.