________________
૧૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આપ સ્વેચ્છાએ મને અનુમતિ આપો કે સંવત્સરી દિવસ સંબંધિત આર્ત-રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા રૂપ પાપથી પાછો ફરૂં ? (ગુરુભગવંત કહે – ભલે ! પાપથી પાછા ફરો ) (ત્યારે શિષ્ય કહે – ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
હે ભગવંત ! કૃપા કરી સંવત્સરી તપપ્રસાદ કરશોજી.
(ગુરૂજી હોય તો તે કહે, નહીં તો પોતે નીચે પ્રમાણે કહે.)
અટ્ટમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીસ બેઆસણાં,
છ હજાર સજ્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડજો.
ત્રણ ઉપવાસના એક સાથેના પચ્ચક્ખાણ = અઠ્ઠમ/સળંગ ત્રણ ઉપવાસ અઠ્ઠમ, ત્રણ છૂટા ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવિસ બેઆસણા, છ હજાર સઝઝાય, તપ કર્યું હોય તો ‘પઇઠ્ઠિઓ’ કહેવું અને કરવાનું હોય તો ‘તહત્તિ’ કહેવું અને ન કરવાનું હોય તો ‘યથાશક્તિ’ કહેવું અથવા માત્ર મૌન રહેવું.
આ ‘પ્રતિક્રમણ સૂત્ર’થી રાત્રિક પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને પ્રતિક્રમણ સૂત્ર કહેવામાં આવે છે.
‘સવ્વસવિ’ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા માટે ગુરુઆજ્ઞા લેવાય છે. અહિં શિષ્ય અર્ધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો, માયા, અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારોની સવિશેષ વિશુદ્ધિ માટે આ પાઠ બોલે છે. વળી શિષ્ય અત્યંત વિનયપૂર્વક પોતાના ત્રિકરણ અતિચારોની માફી માંગતા નિવેદન કરે છે કે મારા બળાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે-દોષથી પાછા હટવા માટે અનુભુતિ આપો. ત્યારે ગુરુ ‘પ્રતિક્રમણ કરો' એમ કહે અને શિષ્ય વચનનો સ્વીકાર કરવા માટે ‘ઈચ્છ’ કહી પ્રાયશ્ચિત માટે તૈયાર થાય છે.