________________
આમ પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું, વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવવું. પરઘરમાંથી સ્વઘરમાં આવવું. અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું. સ્થિર થવું તેમ જ કરેલાં પાપનો સાચા દિલથી પશ્ચાત્તાપ કરીને ક્ષમાભાવ જગાડવો અને જાળવવો.
પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. જેમ દેહને માટે પૌષ્ટિક ભોજનની આવશ્યકતા છે, એટલી જ આત્મિક ગુણોને પુષ્ટ કરવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એ પ્રતિક્રમણ દ્વારા રાગદ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાવૃત્તિમાં ક્ષીણતા અને એ રીતે ચિત્તની નિર્મળતા સાંપડે છે. આનું કારણ એ છે કે એના સૂત્રોમાં દેવ-ગુરૂની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસના, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલદાયી વ્યવસ્થા છે. એ રીતે ચિત્તની વિશુદ્ધિ માટે, જૂનાં કર્મોને ખપાવવા માટે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ જરૂરી છે.
આ પ્રતિક્રમણ સમયે ચિત્તને બહારની સાંસારિક ઉપાધિઓથી અળગું કરીને, એને પ્રતિક્રમણના સૂત્રોમાં એકાગ્ર કરવું જોઈએ, કારણકે પ્રતિક્રમણમાં આરાધકે કયા કયા દોષોમાંથી પાછા વળવાનું છે કે કઈ બાબતનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે તે જાણવાનું જરૂરી છે. પ્રતિક્રમણમાં એકાગ્ર ચિત્તે થયેલા દોષોને સ્મરીને એમાંથી પાછા વળવાનું હોય છે.
સમ્યક્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આપતા ગુણોની ખાણ પ્રતિક્રમણ છે અને જેમ પ્રતિક્રમણથી પોતાના ભીતરના દોષો જોઈ શકાય છે, એ જ રીતે એ દોષદર્શનમાં ભવિષ્યમાં પણ એનાથી દૂર રહેવાનો સંકલ્પ છે. પોતાનાં કર્મો વિશે વિચારીને ભોગવાયેલાં કર્મોમાંથી મુક્ત થઈ નવાં કર્મો નથી જ બાંધવા એવો પ્રબળ સંકલ્પ પ્રતિક્રમણમાં નિહિત છે. આવી ભાવના ધારણ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ.
દૈનિક પ્રતિક્રમણથી ચોવીસ કલાકની ભૂલની ક્ષમા માગીએ છીએ. “પાક્ષિક ક્ષમાપનાથી' પખવાડિયાની, ‘ચોમાસી પ્રતિક્રમણથી” ચાર મહિનાની ભૂલોની ક્ષમા માગીએ છીએ, પરંતુ કોઈનો ક્રોધ હઠીલો હોય તો એના વેરની ગાંઠ વર્ષે ખૂલે. આને માટે “સંવત્સરી પ્રતિક્રમણ” છે.