________________
અહીં એક અગત્યની વાત સમજવી જરૂરી છે, કે તે સાચું સાધુપણું કે શ્રાવકપણું ગ્રંથિભેદાદિ થયા બાદ સમ્યગ્દર્શન પ્રગટે અને સર્વવિરતિ કે દેશવિરતિ પરિણામ પણ પ્રગટે ત્યારે જ આવે છે. સર્વવિરતી કે દેશિવરતિ ખરેખર પામેલાઓ તો ગ્રંથિભેદાદિ કરેલ જ હોય છે. આ ક્રિયા માત્રની વાત નથી, પણ પરિણામની વાત છે. સર્વવિરતિ કે દેશવિરતિ ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને તેનાં પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ ક્રિયા અને પરિણામ એક સ્વરૂપ જ હોય તેવું બનવું જોઈએ. પણ એવું વિરલ જીવોમાં જ બને છે. અને જે ક્રિયા ચાલુ હોય તેથી તદ્દન ઊલટું પરિણામ અંદર વર્તતું હોય તેવું ઘણું બને છે. એટલે સર્વવિરતિ ક્રિયા હોય ને પરિણામ જુદું કે ઊલટું હોય એવું પણ બને એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ છે અને તેનું પરિણામ તે જુદી ચીજ છે. એ જ રીતે સમ્યક્ત્વની ક્રિયા અને તેનું પરિણામ એ પણ જુદી ચીજ છે.
અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણની જે વાતો કરીએ છીએ તે પરિણામની વાત છે. ‘કરણ’’ એટલે આત્માનું ‘‘પરિણામ’’ કહેવાય.
એટલે સાધુપણાની, દેશવિરતિની કે સમ્યક્ત્વની ક્રિયા માત્રથી સર્વવિરતી, દેશિવરતિ કે સમ્યગ્દર્શનનું પરિણામ આવી જ ગયું છે એમ મનાય નહિ.
ક્રિયાઓનું મહત્ત્વ એટલા માટે છે કે એકવાર ‘‘પરિણામ’” આવી જાય છે પછી તેને તે પરિણામમાં ટકવા માટે ક્રિયાની જરૂર છે. જેમકે ગૃહસ્થ વેષવાળાને પણ સર્વવિરતિનું પરિણામ આવે એવું બની શકે પણ સર્વવિરતિના એ પરિણામને ટકાવવા માટે સાધુપણાની ક્રિયા અને વેષ વગેરેની તો જરૂર પડે જ.
આમ સમ્યગ્દર્શનની દુર્લભતા, ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ આ બધાં કારણો અને પ્રક્રિયાઓને સમજીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
(ચિત્ર ૧૪)
સમકિત
૧૪૧