________________
૪૧૧
પત્રક-૬૮૩ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય ત્યારે વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ” રાખવો. શું કહેવું છે ? કે સત્સમાગમ હોય ત્યારે તો કેટલોક સમય સત્સમાગમમાં જાય. પણ જ્યારે સત્સંગ ન હોય ત્યારે પછી બીજા કામ બધા સારી રીતે કરી લેવા એમ ન રાખવું. એ વખતે પણ ‘આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી,...” એમ કહેવા માગે છે.
આરંભપરિગ્રહની કેમ વાત લે છે? મુમુક્ષુને કોઈ ત્યાગદશાની ભૂમિકા નથી છતાં આરંભપરિગ્રહનો સંક્ષેપ કરવાની વાત, આરંભપરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે એ વાત પોતે સારી રીતે પ્રદર્શિત કરી છે, દર્શાવી છે. એનું શું કારણ? આ થોડું વિચારવાયોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકા એ કોઈ ત્યાગીની ભૂમિકા નથી. શ્રાવકો પંચમ ગુણસ્થાનમાં કેટલોક ત્યાગ કરે, મુનિદશામાં બધું છોડે. એવું તો કાંઈ હજી મુમુક્ષુદશામાં નથી. અને મુમુક્ષુથી આગળ વધીને ચતુર્થ ગુણસ્થાનમાં આવે ત્યારે પણ કોઈ ત્યાગદશાની ભૂમિકા તો નથી. છતાં મુમુક્ષુની ભૂમિકામાં આરંભપરિગ્રહનો સંક્ષેપ કરવો એવી વાત કેમ લે છે ?
મુમુક્ષુની ભૂમિકાનો પ્રારંભ પણ પૂર્ણ શુદ્ધિના ધ્યેયે થાય છે. તો પૂર્ણ શુદ્ધિમાં શું બાકી રહ્યું? પૂર્ણ શુદ્ધિમાં મુનિપણું બાકી રહ્યું ? શ્રાવકપણું બાકી રહ્યું ? શું બાકી રહ્યું ? જે મુમુક્ષુને પોતાની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાની ભાવના હોય, ધ્યેય હોય, જેને કિંચિત્માત્ર દોષ રાખવો નથી એવો અંદરમાં નિર્ણય-નિર્ધાર કર્યો હોય, નિર્ધાર કર્યો હોય, તો એને વર્તમાન પરિસ્થિતિથી પાછું હઠવું પડશે. વર્તમાન પરિસ્થિતિમાં આરંભપરિગ્રહ પૂર્વકર્મ પ્રમાણે દરેકને ઉદયમાં ચાલુ જ છે. પંચેન્દ્રિય મનુષ્યજીવ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. પાંચ ઇન્દ્રિય કુદરતી થઈ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. ભોગવતી વખતે ભલે પાપ બાંધશે પણ એટલા પુણ્ય લઈને તો આવ્યો છે. તો જે સ્થિતિમાં આવ્યો છે એ સ્થિતિમાંથી પાછું એને હઠવું જોઈએ. કેમકે એને માર્ગ બદલવો છે. સંસાર માર્ગેથી પાછા વળીને મોક્ષમાર્ગે એને જવું છે તો જે આરંભપરિગ્રહમાં ઊભો છે ત્યાંથી એને વૃત્તિ સંક્ષેપ કરવી પડશે. કે મારું મુખ્ય કાર્ય તો મારા મોક્ષાર્થનું છે. આ જે વર્તમાન આરંભપરિગ્રહ છે એમાં તીવ્ર રસે કરીને પ્રવર્તવું એ મારા આત્માને અધોગતિમાં લઈ જવા સિવાય બીજું કોઈ કામ નથી.
એટલે અહીંયાં એની વૃત્તિ સંક્ષેપાવી જોઈએ. પોતાના ધ્યેયને અનુસરીને