________________
પત્રક-૬૮૦
૩૮૩
પત્રાંક-૬૮૦
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૫ર
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો?
હે કૃપાળ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય?
ઓ દુષમકાળના દુભાંગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુખી થતા જગતના જીવોની પરમ કાર્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
ૐ શ્રી મહાવીર (અંગત)