________________
શ્લોક-૨૧
૭૧ અર્થ - મુગ્ધ લોક પણ જે માર્ગ સ્થાપિત કર્યો હોય તે માર્ગમાં પ્રીતિ કરે છે. આ જગતમાં ધૂર્તનાં વચનો વડે મોહ પામેલા કયા માણસોનું ચિત્ત ચલાયમાન થતું નથી? ભાવાર્થ – લોકસમુદાયનો બહોળો ભાગ ધાર્મિક વિષયમાં તો પ્રાયઃ મુગ્ધ જ હોય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા, રાજદ્વારી વિષયમાં અતિ પ્રૌઢ ગણાતા એવા મનુષ્યો પણ ધાર્મિક વિષયમાં એટલા બધા મુગ્ધ દેખાય છે કે તેમની સેવા પ્રકારના ધર્મ ઉપર રુચિ થતી જોઈને સુજ્ઞ જનોને આશ્ચર્ય થાય છે. આટલા માટે જ કર્તા આ કાવ્યમાં એવા ધર્મસંચાલકોને ઉપદેશ આપે છે કે – હે ભવ્યો! મનુષ્યો તો પ્રાયઃ ધાર્મિક | વિષયમાં મુગ્ધ હોય છે, તેથી તમે જે પ્રકારની ધર્મક્રિયામાં તેમને રુચિ કરાવવા ધારશો તેમાં તેઓ રુચિ કરશે, પણ તેમાં તમારે જ વિચાર કરવાનો છે. ઉન્માર્ગે રતિ કરવાથી તેઓ તો બિચારા ભુલાવો ખાશે, પરંતુ તેવો ભુલાવો ખવરાવનાર જે તમે તેનું શું થશે? તમારે દુર્ગતિમાં અસહ્ય દુઃખનો ભાજન થવું પડશે એમ નિઃસંશય સમજશો.
ધૂર્ત લોકોનું માયાવીપણું એવા પ્રકારનું હોય છે કે તેની જાળમાં - તેની વાક્યરચનામાં ભદ્રિક મનુષ્યો તરત જ ફસાઈ જાય છે. જો કે પરિણામે તો એવા ધૂર્તો તેનાં માઠાં ફળ ભોગવે છે, પરંતુ પ્રારંભમાં તો પોતાના ફંદમાં બીજાઓને ફસાતાં જોઈને તેઓ મનમાં મલકાય છે. વળી વાસ્તવિક રીતે તો તેઓ બીજાને ઠગતા નથી પણ પોતાના આત્માને જ ઠગે છે. પરને ઠગવું તે તો કહેવા માત્ર જ છે. તેથી ઉત્તમ જનોએ વ્યવહારમાં પણ કોઈની સાથે ઠગાઈ કરવી નહીં, સરલતાથી જ વર્તવું અને અન્ય મનુષ્ય જેઓ પોતાની ઉપર આધાર રાખતા હોય, તેમને નેતા તરીકે સત્ય માર્ગ જ બતાવવો કે જેથી તેમના આત્માનું કલ્યાણ થાય.